Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Government’

રાજ્ય સરકારની જુદી જુદી કચેરીઓમાં ‘‘જુનીયર કારકુન’’  / ‘‘ઓફીસ આસીસ્ટન્ટ’’  વર્ગ-૩, પાંચ વર્ષ માટે ફીક્સ પગાર રૂ.૧૦,૦૦૦/- (વાર્ષિક વધારો રૂ.૧,૫૦૦/-) ની કુલ ૨૯૪૯ જગાઓ માટે ભરતી પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો ?

       વર્ષ ૧૯૮૬ થી રાજ્ય સરકારે કરકસરના પગલાંની શરૂઆત કરેલ. ક્રમશઃ સરકારી તંત્રમાં પડતી ખાલી જગાઓ ભરવા ઉપર કરકસરના કારણોસર લાંબા સમય સુધી પ્રતિબંધ રહ્યો. આજે પણ પ્રતિબંધ જ છે. પરંતુ, સરકાર હવે જગાઓ ભરવા માટે મંજૂરી દર્શાવે છે. બાદમાં, અગાઉ લાંબા ગાળા સુધી રહેલા પ્રતિબંધને કારણે જાણે કે, સરકારે રીતસરની ભરતી સાવ જ બંધ કરી દીધી હતી. વર્ષ ૧૯૮૬ થી વર્ષ ૨૦૧૨ સુધી અપવાદરૂપ અને ખાસ કિસ્સાની કરવામાં આવેલી ભરતી બાદ કરતાં, ૨૫-૨૬ વર્ષ સુધી બિલકુલ ભરતી કરવામાં આવેલ નથી.

      પરિણામે, એવો તબક્કો આવી ગયો કે, સરકારી કચેરીઓ સાવ ખાલી થઇ ગઇ અને કેટલીક કચેરીઓમાં કર્મચારીઓનો અસાધારણ અભાવ વરતાવા માંડ્યો. લાંબા સમયગાળાથી સરકારી કચેઅોમાં નિમણૂંકો નહીં થવાને કારણે, હવે ઘણી કચેરીઓમાં ખૂબ મોટી સંખ્યાની ખાલી જગાઓ હવે ભરતી કરવા ઉપલબ્ધ થઇ છે.

          રાજ્ય સરકારે હવે જગાઓ ભરવા માટે માટે ચોક્કસ આયોજન કર્યું છે. બધી ખાલી જગાઓ એક સાથે ભરવામાં આવે તો, અમુક વર્ષો પછી એક સાથે બધા કર્મચારીઓ નિવૃત્ત થતાં, સરકારી કચેરીઓમાં એક સાથે જગાઓ ખાલી પડી જાય. અને એવી સ્થિતી ન સર્જાય તે માટે સરકારે વર્ષ ૨૦૧૪ થી ભરતી કેલેન્ડર તૈયાર કર્યું છે. તે મુજબ આગામી ૧૦ (દશ) વર્ષ માટે દર વર્ષે બધા ખાતાઓ અને કચેરીઓમાંની ખાલી જગાઓ ભરવા માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. તે પ્રમાણે દશ વર્ષ સુધી દર વર્ષે બધા ખાતાઓ માટે નિયમિતપણે ભરતી થયા કરશે.

           વર્ષ ૨૦૧૪, વર્ષ ૨૦૧૫ અને વર્ષ ૨૦૧૬ ના ભરતી કેલેન્ડરો મુજબ ભરવા માટે નિશ્ચિત થયેલી જગાઓ ભરવાની બાકી હોય તો, કેરીફોર્વર્ડ કરીને તે જગાઓ ભરવામાં આવશે. તે મુજબ રાજ્ય સરકારના બધા ખાતાઓની જગાઓ ભરવા માટે સચોટ આયોજન થયેલ છે.

રાજ્ય સરકારની ભરતી કરતી સંસ્થાઓ પૈકી મુખ્યતવે બે મોટી ભરતી સંસ્થા છે. અને તે સિવાય પણ રાજ્ય સરકારની બીજી ભરતી સંસ્થાઓ પણ છે.

(૧) વર્ગ-૧ અને વર્ગ-ર માટે GPSC (Gujarat Public Service Commission), સચિવાલયના નાયબ સેક્શન ઓફીસર, રેવન્યુ ડીપાર્ટમેન્ટના નાયબ મામલતદાર અને સેલ્સ ટેક્સ/સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર જેવી વર્ગ-૩ ની જગાઓની ભરતી GPSC કરે છે.  

(ર) બિન રાજ્ય પત્રિત (Non Gazzetted) એટલે કે, કારકુન, સીનીયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફીસ સુપ્રીન્ટેન્ડેન્ટ, નશાબંધી આબકારી ખાતાના પોલીસ કોન્સ્ટેબલો અને સબ ઇન્સ્પેક્ટરો, લેબોરેટરી ટેકનીશીયનો, સરકારી પ્રેસોની ટેકનીકલ જગ્યાઓ, સ્ટેનોગ્રાફર ગ્રેડ ર અને ગ્રેડ ૩ વગેરે જેવી જગાઓ ભરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ  (GSSSB – Gujarat Subordinate Services Selection Board)

(૩) પોલીસ ખાતાના કોન્સ્ટેબલોની ભરતી માટે પોલીસ ભરતી બોર્ડ અલગ છે.

(૪) તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોના કર્મચારીઓની ભરતી કરવા માટે પંચાયત સેવા પસંદગી બોર્ડ અલગ છે.

(૫) આ સિવાય રાજ્ય સરકારની માલિકીના બોર્ડ-કોર્પોરેશનો, હાઇકોર્ટ, વગેરે પોતાના કર્મચારીઓની ભરતી તે કચેરીઓ પોતે જ કરતી હોય છે.

વર્ષ ૨૦૧૬ માટે GPSC કઇ કઇ ભરતી પરીક્ષાઓ યોજશે તેનું ભરતી કેલેન્ડર આગોતરૂ તૈયાર કરવામાં આવેલ છે. જે જોવા માટે અહીં ક્લીક કરોઃ  ભરતી કેલેન્ડર.

તાજેતરમાં, બિન સચિવાલય કારકુનની અને સચિવાલય અોફીસ આસીસ્ટન્ટની જગાઓ ભરવા માટેની સંયુક્ત ભરતી પ્રક્રિયા કરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળે (જાહેરાત ક્રમાંક ૮૩/૨૦૧૬૧૭) ઓનલાઇન અરજીઓ આવકારી. અોનલાઇન અરજી કરવાની મુદત તા.૧૦-૦૫-૧૬ હતી જે પૂરી થઇ ગઇ. અને હવે સપ્ટેમ્બર ૨૦૧૬ માં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે.

        ગૌણ સેવા પસંદગી મંડળે રાજ્ય સરકારની જુદી જુદી કચેરીઓમાં ‘‘જુનીયર કારકુન’’  વર્ગ-૩, પાંચ વર્ષ માટે ફીક્સ પગાર રૂ.૧૦,૦૦૦/- (વાર્ષિક વધારો રૂ.૧,૫૦૦/-) ની કુલ ૨૯૪૯ જગાઓ ભરવા માટે તા.૧૦.૦૫.૨૦૧૬ સુધીમાં ઓનલાઇન અરજીઓ આવકારતી જાહેરાત ક્રમાંકઃ૮૩/૨૦૧૬-૧૭ પ્રસિધ્ધ કરી હતી. જે મુદત પૂરી થઇ ગઇ છે. આ સ્પર્ધાત્મક પરીક્ષાની race ઉતર્યા હોય તેમણે તેમની race માટે થોડી સમજ કેળવી લેવી જોઇએ.

સચિવાલય અને એલાઇડ ઓફીસીસમાં આ જગાઓ ‘‘ઓફીસ આસીસ્ટન્ટના’’  હોદ્દાથી ઓળખાય છે.  આ જગા પટાવાળાની તરત ઉપરની અને વર્ગ-૩ માં સૌથી નીચેની જગા હોઇ, નિમણૂંક પામનારે રૂટીન પ્રકારનું કારકુની કામ કરવાનું રહેશે. આ જગાઓ જરા પણ ચાવીરૂપ નથી.

        પરંતુ નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં બેકાર ઉમેદવારો માટે આ કે.જી. અને નર્સરી જેવું છે. ધોરણ ૧૨ પાસની શૈક્ષણિક લાયકાતના આધારે અરજી કરી શકાતી હોઇ, સૌ કોઇએ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનો, અને સાચા અર્થમાં પરીક્ષારૂપી મેદાનમાં ઉતરવાનો અનુભવ મેળવવા માટે આ પરીક્ષાનું મહત્વ વિશેષ છે. આથી ઉમેદવારી નોંધાવી જ દીધી હોય તો, હવે પૂરા મનથી મેદાનમાં ઉતરવું જોઇઅે. 

        કુલ ૨,૯૪૯ જગાની ભરતીની મોટી જાહેરાત જોઇને હરખાઇ જતાં પહેલાં, સરકારની સ્વીકૃત અનામત નીતિને અનુલક્ષીને જાહેરાત મુજબ જગાઓની વહેંચણીની માહિતી હોવી જરૂરી છે. જે સ્પર્ધામાં ઉતરી રહ્યા છીએ તેમાં કેટ-કેટલી કટ્ટર સ્પર્ધાનો સામનો કરવાનો છે; તેનો અગાઉથી તાગ મેળવેલો હોય તો, તે મુજબ પરીક્ષાની તૈયારીમાં જોર લગાવવા સજ્જ થઇ શકાય. જગાની વહેંચણી આ મુજબ છે.

(૧) સચિવાલય, ગુજરાત વિધાનસભા અને જીપીએસસી એમ ત્રણ પ્રકારની કચેરીમાંના ‘‘ઓફીસ આસીસ્ટન્ટ’’  ની થઇને કુલ ૪૨૭ જગાઓ પૈકી ૨૨૦-બિન અનામત (૧૪૭ જનરલ + ૭૩ મહિલા) અને ૨૦૭-અનામત જગાઓ છે.
(૨) સચિવાલયના વહીવટી વિભાગોના સીધા નિયંત્રણ હેઠળની ખાતાના વડાની કચેરીઓમાંની કચેરીઓમાંના “જુનીયર ક્લાર્ક” ની ૨૧૬૨ જગાઓ પૈકી ૧૩૨૪-બિન અનામત (૯૦૨ જનરલ + ૪૨૨ મહિલા) અને ૮૩૮-અનામત જગાઓ છે.
(૩) જુદી જુદી કલેક્ટર કચેરીઓમાંના “જુનીયર ક્લાર્ક” ની ૩૬૦ જગાઓ પૈકી ૧૮૪- બિન અનામત (૧૨૩ જનરલ + ૬૧ મહિલા) અને ૧૭૬-અનામત જગાઓ છે.

        એ રીતે, કુલ ૨૯૪૯ જગાઓ પૈકી ૧૭૨૮ બિનઅનામત ઉમેદવારો માટે (જનરલ ઉમેદવારો માટે ૧૧૭૨ અને મહિલા ઉમેદવારો માટે ૫૫૬) અને બાકીની ૧૨૨૧ જગાઓ (મહિલાઓ સહીત) SC, ST, SEBC, ફીજીકલી હેન્ડીકેપ્ડ, માજી સૈનિકો જેવા અનામત વર્ગો માટે છે.

 • બિન અનામત જનરલ ઉમેદવારોની ૧૧૭૨ જગાઓ ઉપર મહિલા ઉમેદવારો સ્પર્ધા કરી શકે છે.
 • જ્યારે બિન અનામત મહિલાઓની કુલ ૫૫૬ જગા ઉપર માત્ર બિનઅનામત મહિલાઓ સ્પર્ધા કરી શકશે.
 • આમ, બિન અનામત પુરૂષ ઉમેદવારો માટેની સ્પર્ધા ગળાકાપથી પણ વધુ કઠીન રહેશે.
 •         સરકારની સ્વીકૃત નીતિ મુજબ SC, ST, SEBC, કક્ષાના અનામત વર્ગના ઉમેદવાર હોય અને બિનઅનામત ઉમેદવાર માટેની વયમર્યાદાની શરત સંતોષતા હોય (બીજા શબ્દોમાં અનામત કક્ષાના ઉમેદવારે ઉપલી વયમર્યાદાની છૂટછાટનો લાભ લીધો ન હોય) અને બિન અનામત/જનરલ ઉમેદવારો માટે ઠરાવેલ લાયકી ગુણથી વધારે ગુણ મેળવીને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તો, તેવા અનામત કક્ષાના ઉમેદવારોને અનામત સંવર્ગની જગા સામે નહીં ગણતાં, તેમને બિન અનામત/જનરલ ઉમેદવાર તરીકે ગણીને, બિન અનામત જગા ઉપર નોકરી આપવામાં આવશે.
 • બીજા શબ્દોમાં, આવા (MRC એટલે કે,  Meritorious Reserved Candidates) હોંશીયાર અનામત ઉમેદવારો બિન અનામતની એટલી જગાઓ પર પસંદગી પામતા, સ્પર્ધા માટે જનરલ ઉમેદવારોની જગાઓ એટલે અંશે ઘટશે.
 • એ રીતે, બિનઅનામત પુરૂષ ઉમેદવારો માટે આ સ્પર્ધા સ્વીકૃત સિધ્ધાંતો મુજબ સૌથી કઠીન બનવાની. (બંધારણની સમાન તક અને સમાન હક્કકની જોગવાઇઓ મુજબ અનામત કક્ષાનો ઉમેદવાર પણ એક ઉમેદવાર તો છે જ. પણ તેવા ઉમેદવારને થોડી રાહત આપી, સ્પર્ધામાં થોડી છૂટછાટ આપવામાં આવે છે. અને જે ઉમેદવાર બિન અનામત ઉમેદવારની સાથે સ્પર્ધા કરીને તેની સરખામણીમાં જરા પણ ઉતરતો ન નીવડે તો, તેને કારણે અનામત કક્ષાના ઉમેદવારનો તે ગુનો નથી. તેવા MRC એટલે કે,  Meritorious Reserved Candidates ને બિન અનામત ગણવામાં આવે છે. 

        ઉપર દર્શાવેલી ત્રણ પ્રકારની કચેરીઓ વિષે સાદી સમજઃ

(૧) સચિવાલય, ગુજરાત વિધાનસભા અને જીપીએસસી એ રાજ્ય સરકારની ઉચ્ચ કક્ષાની કચેરીઓ છે. આ કચેરીઓની સરકારી નોકરી બિનબદલીપાત્ર છે. સચિવાલય અને ગુજરાત વિધાનસભામાં નોકરી મેળવનારે ગાંધીનગરમાં અને જી.પી.એસ.સી.માં નોકરી મેળવનારે અમદાવાદમાં સમગ્ર નોકરી કરવાની રહેશે.
(૨) સચિવાલયના વહીવટી વિભાગોના સીધા નિયંત્રણ હેઠળની જુદા જુદા કમિશ્નરો અને ડાયરેક્ટરોની કચેરીઓ કે જેને ખાતાના વડાની કચેરીઓ અથવા તો બિન સચિવાલયી કચેરીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ કચેરીઓની હેડ ઓફીસો ગાંધીનગરમાં આવેલી હોય છે. અને તે કચેરીઓના વહીવટી નિયંત્રણ હેઠળની કચેરીઓ જિલ્લા કે તાલુકા મથકે આવેલી હોય. એટલે આ કચેરીઓમાં નોકરી મેળવનારની ગાંધીનગરમાં તેમજ અન્ય સ્થળે પણ નિમણૂંક થઇ શકે. અને તે નોકરી હંમેશા બદલીપાત્ર રહેશે.
(૩) જુદા જુદા જિલ્લાની કલેક્ટર કચેરીઓ રાજ્યના જુદા જુદા જિલ્લાના મથકે આવેલી હોય. આમ જિલ્લા મથકે અથવા કલેક્ટર કચેરીના વહીવટી નિયંત્રણ હેઠળ જિલ્લા કે તાલુકા મથકે નોકરી મળે. આ નોકરી હંમેશા બદલીપાત્ર રહેશે

        ભાગ-૧ ની લેખિત પરીક્ષા અને ભાગ-ર ની કોમ્પ્યુટર પ્રોફીસીએન્સી પરીક્ષા એ બેની પરીક્ષા પ્રક્રિયા બાદ, જે ઉમેદવારો ઉત્તીર્ણ થશે તેમના માટે ગૌણ સેવા પસંદગી મંડળ નોકરી કરવા માટેની કચેરી પસંદ કરવા માટેની તક આપશે. મેરીટ-કમ-પ્રેફરન્સને આધારે ઉમેદવારોને નોકરી માટેની કચેરી પસંદ કરવાની તક મળશે. આ માટે ગૌણ સેવા એક મોટા હોલમાં બધા ઉમેદવારોની હાજરીમાં, અત્યંત પારદર્શી રીતે જગા પસંદગીનો કાર્યક્રમ યોજે છે. નિમણૂંક માટેની જગાઓનો ચાર્ટ કોમ્પ્યુટર મારફત મોટા સ્ક્રીન પર ડીસ્પ્લે કરવામાં આવે છે અને મેરીટ પ્રમાણે ઉમેદવારોને જે જગાએ નોકરી કરવા જવું હોય, તે જગાની પસંદગી કરવા દેવામાં આવે છે. પસંદગી મુજબની કચેરી કે ખાતુ તે જ ક્ષણે ફાળવી આપીને ગૌણ સેવા નોકરીનો ઓર્ડર આપે છે. સ્પર્ધકોએ માત્ર એક એક ગુણની નહીં પણ એક ગુણના દશમાં કે વીસમા ભાગની પણ પરવા કરીને પરીક્ષાની તૈયારી કરવી જોઇએ અને સ્વસ્થ ચિત્તે પૂરી એકાગ્રતા સાથે પરીક્ષા આપવી જોઇએ જેથી મેરીટમાં આગળ આવતાં પોતાની પસંદગીના બદલીપાત્ર કે બિન બદલીપાત્ર ખાતામાં નોકરી પ્રાપ્ત કરવાની તક મળી રહે.

        મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન (MCQ) ની પધ્ધતિથી પરીક્ષા યોજાશે. જવાબવહીઓની ચકાસણી/મૂલ્યાંકન  Optical Mark Reader(OMR) પધ્ધતિથી થશે. ખોટા જવાબદીઠ ૦.૨૫ ગુણ નેગેટીવ માર્કીંગની પધ્ધતિ અપનાવાઇ છે. પરંતુ દરેક પ્રશ્નના જવાબમાં પાંચમો વિકલ્પ “E” “Not attempted” હશે. સ્પર્ધક પોતાના જવાબ વિષે ચોક્કસ ન હોય તો, તેના જવાબમાં આ પાંચમો વિકલ્પ પસંદ કરીને નેગેટીવ માર્કીંગથી બચી શકશે. ઉમેદવારોને નેગેટીવ માર્કીંગથી બચાવવા માટે વર્ષ ૨૦૧૪ થી રાજ્ય સરકારે અને ગૌણ સેવાએ સ્તુત્ય પહેલ કરેલી છે.

 •         પ્રથમ ભાગ-૧ ની સ્પર્ધાત્મક પરીક્ષા સપ્ટેમ્બર ૨૦૧૬ માં લેવાશે. હજુ ઉમેદવારોને તૈયારી કરવા માટે પૂરા ચાર મહિના જેવો સમય છે. ભાગ-૧ ની પરીક્ષાનો અભ્યાસક્રમ જોતાં પધ્ધતિસર તૈયારી કરનાર અને ખંત રાખનાર ઉમેદવારની સફળ થવાની શક્યતા રહે જ છે.
 • સ્પર્ધા વધારે હોવા છતાં જાહેર કરેલી જગા જેટલા ઉમેદવારોને તો નોકરી મળવાની જ છે.
  તરણ સ્પર્ધામાં તરવૈયાઓ સેકંડના ફ્રેક્શનથી જીતી જતા હોય છે.
 • મુક્કાબાજીમાં મુક્કાઓનો માર ખાઇને પડી ગયેલો હરીફ ઉભો થઇને સમગ્ર શક્તિ એકઠી કરીને હરીફને જોરદાર મુક્કાનો પ્રહાર કરીને જીતી પણ જતો હોય છે.
ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ

૨૫ ગુણ

ગુજરાતી વ્યાકરણ ર૫ ગુણ
અંગ્રેજી વ્યાકરણ ર૫ ગુણ
ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો સામાન્ય વિજ્ઞાન, એપ્ટીટ્યુડ કવોન્ટીટેટીવ. ૫૦ ગુણ
કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર થીયરી. App.G ર૫ ગુણ
જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન ૫૦ ગુણ
  કુલ ર૦૦ ગુણ

બસ જરૂરી એ છે કે, એક યુધ્ધમાં ઉતરતા હોય એમ ઉમેદવારોએ અત્યંત ગંભીરતાથી પરીક્ષાની તૈયારી કરવી રહી. ઉચ્ચતર જીવનશૈલી તરફનો બદલાવ જ સફળતા આપી શકે.
(૧) સવારે પ વાગે વહેલા ઉઠવાની ટેવ પાડવી અનિવાર્ય છે. જેથી સવારના વાતાવરણનો અને શરીરમાંનો શક્તિનો ખજાનો ઉપયોગમાં લાવી શકાય.

(ર) સવારે નિયમિતપણે અડધા કલાક જેટલી ફીજીકલ એક્સરસાઇઝ કરવી જ કારણ કે, સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહે છે.

(૩) ધ્યાન અને પ્રાર્થના અડધા કલાક માટે ફરજીયાત બનાવવા અને પ્રાર્થનામાં ઇશ્વરને સંબોધીને પરીક્ષામાં સફળતા માટે ચોક્કસ પ્રાર્થનાઓ પ્રયોજવી.

(૪) સવારે દૂધ અને ફળોના રસ પીવા અને હળવો ગરમ નાસ્તો અચૂક કરવો. ખાલી પેટ ના રહે તે જોવું જેથી ખાલી પેટમાં ઉત્પન્ન થતાં ગેસીસ તંદ્રા અને નિદ્રા લાવે નહીં.

(૫) સવારે ૬.૩૦ વાગ્યાથી મોંડા નહીં, એટલા વાગે વાંચન અધ્યયન માટે બેસી જવું અને ૧૦ વાગ્યા સુધી વાંચવું

(૬) ૧૦ થી ૧૦.૩૦ વર્તમાનપત્રો વાંચી લેવા.

(૭) અડધો કલાક ફ્રેશ થવા ટી.વી.ના સમાચાર જોવા. સીરીયલ કે ફિલ્મીગીતો જોવા નહીં

(૮) અગીયાર વાગે ફ્રૂટ ખાવા ઉંઘ આવે એવો ભારે ખોરાક ના લેવો.

(૯) બપોરે ૧૨.૪૫ સુધી વાંચન અને અધ્યયન કરવું અને ૧૨.૪૫ વાગે ભોજન દાળ-ભાત-રોટલી-શાકનું ભોજન કરી લેવું

(૧૦) બપોરના ૧ થી ૨ સુધી ભોજન અને આરામ કરવો. સેલ્ફ હીપ્નોસીસ દ્વારા શરીર અને મનને સભાનપણે આરામ આપીને ફરી તાજગી મેળવી શકાય છે.

(૧૧) ૨ થી ૫ વાંચન અને અધ્યયન કરવું

(૧૨) અડધો-પોણો કલાક મિત્રોને મળવું, ટી.વી. જોવું કોઇક ઇનડોર કે આઉટડોર ગેમનો શોખ હોય તો તે રમવી.

(૧૩) ૬ વાગ્યા પછી બને ત્યાં સુધી સૂર્યાસ્ત થાય તે પહેલાં જમી લેવું જેથી સૂર્યપ્રકાશની હાજરી હોવાથી પાચન શક્તિ બરાબર કામે લાગે છે. અને ભોજનમાંથી સત્વ અને તત્વ ગ્રહણ કરવા શરીર વધુ સક્ષમ હોય છે. ૬.૩૦ થી ૯.૩૦ વાંચન અને અધ્યયન કરવું. ૯.૩૦ થી ૧૦ વાગ્યા સુધી ઘરના સભ્યો સાથે વાતો-ચીતો કરવી, ૧૦ વાગે સૂઇ જવું. અને સવારે ૫ વાગે ઉઠી જવું.

આપણાં ક્રિકેટરો અને ફિલ્મના એક્ટરો -એક્ટ્રેસ અસાધારણ શ્રમ બાદજ સફળતા મેળવે છે. કોઇ પણ ક્ષેત્ર માટે સખત પરીશ્રમનો બીજો કોઇ વિકલ્પ હોતો જ નથી.

ઉચ્ચતર જીવનશૈલી સાથે અંગ્રેજી વ્યાકરણને પાયામાંથી સમજી લઇએ, કર્તા-ક્રિયાપદ અને કર્મની સાચી સમજ સાથે અંગ્રેજીમાં કાળની ગોઠવણી અને તેના ઉપયોગો શીખી જઇએ તો, અંગ્રેજી ભાષામાં પક્કડ આવે. બધાને અંગ્રેજીના Tenses થી જ અંગ્રેજી નહીં આવડવાનો પ્રશ્ન ઉભો થતો હોય છે. જે હલ કરવાનું આસાન છે. અંગ્રેજી ઉપરની પક્કડ સફળતા અપાવે જ.

ક્વોન્ટીટેટીવ એપ્ટીટ્યુડ એટલે ગણિતની પ્રેક્ટીસ કરી લેવી જોઇએ.

જાહેર વહીવટ અને બંધારણ જેવા વિષયોનો અભ્યાસ કરી નિપૂણતા મેળવી લેવાથી સ્પર્ધામાં ઉતરવામાં કોઇ વાંધો આવી શકે નહીં.

ભાગ-૧ માં સફળ થઇશું જ, એવી ઉજળી આશા સાથે ભાગ-ર ની કોમ્પ્યુટર પ્રોફીસીએન્સી ટેસ્ટમાંના ગુજરાતી ટાઇપીંગ અને અંગ્રેજી ટાઇપીંગની પ્રેક્ટીસ અત્યારથી જ શરૂ કરી દેવી જોઇએ..

કોમ્પ્યુટર પ્રોફીસીએન્સી, ભાગ-૨ ની કસોટી વિષે હવે પછી…

પી. યુ. ઠક્કર, (9601660721) * રીટાયર્ડ ડેપ્યુટી સેક્રેટરી, ગૌણ સેવા પસંદગી મંડળ. ફેકલ્ટી ફોર English Grammar.

Advertisements

Read Full Post »