
દિવાના પ્રકાશ જેવું સત્ય અમે ખેડૂતોને સમજાવી શક્યા નહીં. એમ કહીને મોદીજીએ સાચા હૃદયથી માફી માંગી. એમ પણ સ્વીકાર્યુ કે, અમારી તપશ્ચર્યામાં જ કોઇ ખોટ હશે. છપ્પનની છાતી વાળા પી.એમ. એ દેશ સમક્ષ માફી માંગીને નવા ત્રણ કૃષિ કાયદા રદ કરવાનું સ્વીકાર્યુ, તે શું દર્શાવે છે ?
શું સરકારની કે મોદીજીની કોઇ ભૂલ થઇ ગઇ હતી તેથી માંફી માંગી ?
શું આમાં રાકેશ ટીકૈતની જીત અને મોદીજીની હાર છે?
નવા ત્રણ કૃષિ કાયદા લોકસભા અને રાજસભામાંથી બંધારણીય પ્રક્રીયા અનુસરીને પસાર થયા હતા, અને રાષ્ટ્રપતિની સહી થઇ ગયા બાદ, કાયદેસરનુ સ્વરૂપ પામી ચૂકેલા છે. એ કાયદા માફી માંગીને રદ કરવાનું સ્વીકાર્યુ એ શું સૂચવે છે?
એ કાયદા ઘડનારાએ જ યુ ટર્ન લીધો અને સાચા હૃદયથી માફી માંગી એ શું સૂચવે છે? સરકારનું મક્કમ વલણ હતુ કે, કોઇપણ સંજોગોમાં કાયદા પાછા નહીં ખેંચાય, કાયદાની કઇ કલમમાં શી તકલીફ છે, તેની ચર્ચા કરો. તેની સામે, સંયુક્ત કિસાન મોરચાની પણ મક્કમતા હતી કે, પહેલાં ત્રણેય કાયદા પાછા ખેંચો. સરકારના કૃષિમંત્રી, અમિત શાહ, કંઇક મંત્રીઓ, અને ભાજપ પાર્ટી કહેતી હતી કે, કોઇ સંજોગોમાં કાયદા પાછા નહીં ખેંચાય, અને હવે …? પી.એમ. મોદીજીએ માફી માંગીને કાયદા પાછા ખેંચવાની વાત કરી એ શું સૂચવે છે? કઇ મજબૂરી છે? એકવાર નિર્ણ કરનાર મોદીજી કોઇ પણ સંજોગોમાં પાછા પડે જ નહીં, ભલે પછી તે એરસ્ટ્રાઇક હોય કે આંતરરાષ્ટ્રીય પ્રશ્ન હોય. તો પછી મોદીજીએ યુ ટર્ન કેમ લીધો? ખેર સમય જતાં એની વધારે બાબતો કદાચ ઉજાગર થશે… રાજકીય પ્રવાહો બાજુએ મૂકીને જોઇએ તો- આમાં ખેડૂતોને કેવી રીતે નુકશાન છે, તે એકદમ સરળ અને સચોટ છે …..
સચોટ અને સરળ વાતઃ-
હાલની વ્યવસ્થામાં ખેડૂતો માત્ર APMC માં જઈને જ ખેડૂત તેમનું ઉત્પાદન દલાલો એટલે કે, આડતિયા મારફત વેચી શકે, એવી જે વ્યવસ્થા વર્ષોથી, એટલે કે, આઝાદી બાદથી ચાલતી આવી છે તેમાં, સરકારે ફેરફાર કર્યા અને મંડી સિવાય પણ ખેડૂતો તેમનું ઉત્પાદન વેચી શકે – એવો ત્રણ કાયદાનો સાર છે. પરંતુ ખેડૂતો પોતે જ તેમાં ફેરફાર કરવા માંગતા ન હતા અને નથી. એટલે આ આંદોલન ચાલતું હતુ. મતલબ કે, ખેત ઉત્પાદન માત્ર મંડીમાં જ વેચી શકાય તેવી ચાલી આવતી વ્યવસ્થામાં કોઇ ફેરફાર ખેડૂતો જ ઇચ્છતા ન હતા – નથી.
આઝાદી પછીથી ચાલી આવેલી પ્રવર્તમાન આ વ્યવસ્થાના પાયામાં જરા જવું પડશે. જેથી નવા ત્રણ કૃષિ કાયદાની બાબત વધારે સ્પષ્ટ થઇ શકશે. ભારત આઝાદ થયું તે પછી આશરે ૧૯૫૧-૫૨ ના સમયમાં સરકારને ખ્યાલ આવ્યો કે, આપણો દેશ આઝાદ બની ગયો તો પણ આ દેશ હજુ સુધી “સોનાની ચિડાયા” બની શક્યો નથી. ગામડાના ખેડૂતોની દશા તો હજુ એવી ને એવી જ છે. બલ્કે, ગામડા વધુ ગરીબ જ બનતા જતા હતા. તે વખતની સરકારને સમજાયું કે, ખેડૂત જે પાક ઉગાડે છે તેમાં ખર્ચેલા, રોપેલા દાણ, મજૂરી, વગેરેનું નાણાકીય વળતર તો ખેડૂતને પાક તૈયાર થઇ જાય તે પછી છ-આઠ મહીના બાદ મળે છે. તે દરમિયાન ખેડૂતને કોઇ સામાજિક પ્રસંગ આવે કે, વાર-તહેવાર આવે તો, રોકડ નાણાંની જરૂર પડે તો, ગામના શાહુકાર પાસેથી તે ઉધાર અથવા વ્યાજે નાણાં મેળવતો. અને શાહુકાર ખેડૂત પાસેથી ભવિષ્યમાં થનારો પાક લખાવી લે. ક્યારેક જમીન પણ લખાવી લે. આમ, વાયદાના સોદા જેવી સ્થિતી વિદ્યમાન હતી. અબુધ ખેડૂતોનું શાહુકારો શોષણ કરતા હતા. જેવો પાક તૈયાર થઇ જાય એટલે શાહુકાર ખેતરમાં જઇએ પાક લઇ લેતો. ખેડૂતની હાલત તો બદથી બદતર થતી ગઇ. કેટલાક લોકો જમીન વિહોણા પણ જઇ જતા. આ સમયસ્યાના હલ માટે આઝાદી પછી સરકારે કાયદા બનાવ્યા કે, કોઇ પણ વ્યક્તિ ખેડૂતના ખેતરેથી સીધો પાક કે અનાજ ખરીદી શકશે નહીં. ખેડૂતનું ખેત ઉત્પદન વેચનારા અને ખરીદનારા માટે મંડી એટલે કે, APMC માર્કેટ ઉભા કર્યા. સરકારનો એવો આશય કે, જ્યાં ખેડૂતને તેના ઉત્પાદનનો ખરીદનારાનો બહોળો વર્ગ મંડીમાં મળી રહેશે. તેના ઉત્પાદનનું સારૂ મૂલ્ય મળશે. આમ, મંડીની વ્યવસ્થા અમલમાં આવી. વર્ષોથી ચાલતી આવી છે.
મંડીનું સંચાલન કેવી રીતે કરવાનું તો, તેની વ્યવસ્થા પણ સરકારે જે તે સમયે કરી. મંડીનું સંચાલન કરવા એક બોડી હોય. એ બોડીમાં બધા શહેરના માણસો ગોઠવાઇ ગયા. કારણ કે, મંડીઓ જિલ્લા મથકોએ અને શહેરોમાં હતી. મંડીના સંચાલક મંડળમાં એક સભ્ય તરીકે ખેડૂત અલબત્ત રહેતો. પણ ખેડૂતના હક્કોની જાળવણી ખરેખર થતી નહીં. મંડીની વ્યવસ્થા ખેડૂતોના ઉત્પદનના વેચાણ માટે હતી. પણ કાળક્રમે મંડીની વ્યવસ્થા માત્ર ખેડૂતોના ઉત્પાદનની ખરીદી માટે બની ગઇ. મંડીની વ્યવસ્થા આવતા ખેડૂતનું ઉત્પાદન ખરીદી શકે તેવા નાણાકીય સધ્ધરતાવાળી વ્યક્તિઓએ અગાઉના શાહુકારોનું સ્થાન લઇ લીધુ. ખેડૂત ગામડેથી અનાજ વેચવા આવે તો, તેને કહેવામાં આવે કે, ક્વાલીટી સારી નથી. ખેડૂતે માલ વેચાય ત્યાં સુધી શહેરમાં બે-ત્રણ દિવસ પડ્યા રહેવું પડે. તેના રહેવા-જમવાના ખર્ચા થાય. માલ વેચવાનું શક્ય બને તો, ખેડૂત જે વાહનમાં અનાજ લાવ્યો હોય તેને અનલોડ કરવાનો ખર્ચ ચૂકવવાનો. ખેડૂત જે દલાલ મારફત તેના અનાજને વેચે તે દલાલને દલાલી આપવાની. મંડીના વહીવટ માટે મંડીને અમુક ટકા આપવાના. આ બધાને લઇને મજબૂરીમાં ખેડૂતનું શોષણ તો ચાલુ જ રહ્યું. જે મૂલ્યથી ખેડૂત અનાજ વેચે તેના કરતા ઘણાં વધારે મૂલ્યથી તેના end user ને તે મળે. એકંદરે વચોટીયા દલાલો અને આડતીયા કમાય અને ખેડૂત તો ઠેરનો ઠેર !!
આ બધામાં કૃષિ ઉત્પાદન ખેડૂત પાસેથી એના વાપરનારા સુધી, એટલે કે, end user સુધી પહોંચવામાં જેટલા તબક્કા આવે, એ દરેકને તેમનો નફો કે કમિશન મળે એવી વ્યવસ્થા મંડીને લીધે ઉભી થઇ ગઇ. પરિસ્થિતની એવી પેદા થઇ ગઇ કે, અનાજ ઉત્પાદન કરનાર ખેડૂતોએ માત્ર અનાજ ઉગાડીને પકવવાનું – ઉત્પાદ કરવાનું. અને માત્ર મંડીમાં જ વેચવાનું. મંડીમાં બેઠેલા પાસે તેના end user સુધી તે ઉત્પાદન પહોંચાડવાની માહિતી અને વ્યવસ્થા હોય. કારણ કે, મંડી શહેરોમાં છે. ખેત ઉત્પાદનના વેચાણના નેટવર્કથી ગામડાનો ખેડૂત અજાણ હોય. જે વ્યવસ્થા ઉભી તે જ વ્યવસ્થા આજે પણ વિદ્યમાન છે. ખેડૂત તેના ઉત્પાદન નો વેપાર કરીને સીધા ખરીદનારાઓને વેચી શકે નહીં માત્ર મંડીમાં વેચી શકે. અને મંડીના દલાલો તેનો વેપાર કરી શકે ટૂંકમાં એવી વ્યવસ્થા સ્થાપિત થઇ ગઇ છે.
નવા કૃષિ કાયદા મુજબ ખેડૂતને વેપારની પ્રક્રિયામાં ભાગ લેતો કરવો એ ખ્યાલમાં રાખવામાં આવ્યું છેે. ખેડૂત દલાલો મારફત જ મંડીમાં વેચી શકે તે ઉપરાંત તે પોતે મંડી સિવાય પણ તેનુ ઉત્પાદન વેચી શકે તેવી વ્યવસ્થા નવા કૃષિ કાયદામાં કરવામાં આવી છે. જેથી કરીને ખેડૂતને પણ વેપારની પ્રક્રિયામાં સામેલ થવું હોય તો થઈ શકે – બસ આટલું જ છે નવા ત્રણ કૃષિ કાયદામાં. નવા ત્રણ કૃષિ કાયદા એટલે મંડી ની મોનોપોલી તોડવાની વ્યવસ્થા. ત્રણેય કાયદા એકદમ સરળ છે. માત્ર સાત પાનામાં ત્રણ કાયદા આવી જાય છે.
વચ્ચેના દલાલોને જ અનાજના વેપારનો ફાયદો મળતો આવ્યો હતો તે વ્યવસ્થા એટલે મંડી. વચેટિયાઓને કારણે અનાજના એન્ડ યુઝરને ઉંચા ભાવે ખરીદવું પડે પણ ખેડૂતને તેવા ભાવવધારાનો લાભ મળે નહીં. તે મંડીની વ્યવસ્થા.
નવા કૃષિ કાયદા મુજબ વચેટિયાઓ મારફત જ ખેડૂત મારફત મંડીમાં જ તેનું ઉત્પાદન વેચી શકે છે, તે મર્યાદા દૂર કરીને ખેડૂત મંડી સિવાય પણ તેનું ઉત્પાદન વેચી શકે તેવી વ્યવસ્થા. બીજા શબ્દોમાં વેપારની પ્રક્રિયાઓમાંથી ખેડૂત ઇચ્છે તો વચોટીયાઓને ટાળીને મંડી સિવાય પણ ખેડૂત તેનું ઉત્પાદન વેચી શકે. આમ, ખેડૂતને વેપારની પ્રક્રીયામાં સામેલ થવાનો અવસર મળે છે – એટલે નવા કૃષિ કાયદા. એ રીતે ખેડૂત તેના ઉત્પાદનનો વધારે ભાવ મેવી શકે અને end user ને પ્રમાણમાં ખાસુ સસ્તું અનજા મળે એવી વ્યવસ્થા એટલે નવા ત્રણ કૃષિ કાયદા.
પણ આ વ્યવસ્થા ભારતના રાજકારણે થવા દીધી નહીં. સરકારે કાયદા પાછા ખેંચવાનો નક્કર નિર્ણય કરી નાખ્યો.
નવા જે કૃષિ કાયદા છે એમાં બન્ને ઓપ્શન ખુલ્લા છે કે, (૧) ખેડૂત મંડી માં જઈ ને એટલે કે APMC માં જઈને તેમનું અનાજ વેચી શકે, અથવા (૨) તે પોતે ઈચ્છે તો બીજા કોઈને પણ (મંડી સિવાય) પણ વેચી શકે. ખેડૂતના ખેતરમાં જઈને તે ખરીદનાર સીધો એ પાક/અનાજ ખરીદી લે તો, ખેડૂતે તેના ઉત્પાદનને વાહન ભાડે કરીને મંડી સુધી લઈ જવાની તકલીફ પણ લેવી ના પડે. ખેડૂતે મંડીમાં એટલે કે ગામડામાંથી શહેરમાં જઈને ત્યાં રોકાવું પડે નહીં. જેથી ખેડૂતને ત્યાં રોકાવાનો હોટલ ચા-પાણી નાસ્તા જમવાનો ખર્ચો પણ થાય નહીં. દલાલોને દલાલી આપવાની નહીં. નવા કૃષિ કાયદામાં એવી પ્વાણ વ્યવસ્થા છે જ કે, જો ખેડૂત ને એમ લાગે કે તેને તેના ઉત્પાદનનું વધારે સારું વળતર મંડીમાં જ મળે એમ છે તો એ મંડીમાં જઈને પણ વેચી શકે. એ ઓપ્શન પણ ખુલ્લો જ રાખ્યો છે. જેથી ખેડૂતને કોઇ રીતે નુકશાન જવાનું નથી.
નવી વ્યવસ્થાથી આજના યુગમાં ઇન્ટરનેટ whatsapp facebook સરળતાથી બધા વાપરતા હોય છે ઓછું ભણેલા માણસો પણ આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં હોય છે. ગૃહિણીઓ પણ ઓનલાઇન ખરીદી કરતી હોય છે. સોશિયલ મીડીયાના ઉપયોગથી મંડીની મોનોપોલી તૂટે અને ખેડૂતને ખરીદનારો બહોળો વર્ગ મળે. જ્યારે ખરીદનારનો બહોળો વર્ગ હોય એટલે કે, માંગ (demand) વધારે હોય તો, ભાવ ઉંચા જાય એન ખેડૂતને તેનો ફાયદો થાય. ટૂંકમાં વચેટિયા નીકળી જાય..
આટલી સીધી સાદી સરળ વાત મોદી સાહેબ અથવા તો સરકાર ખેડૂતોને સમજાવી શક્યા નહિ એની માફી માંગવામાં આવે છે. રાજકારણે આ શક્ય બનાવા દીધુ નહીં.
મોદીજીએ તેમના પ્રવચનમાં કહ્યું હતુ કે, જે નિર્ણયો કર્યા હતા તે ખેડૂતોના(emphasis provided) ભલા માટે હતા – જે નિર્ણય કરી રહયા છીએ તે દેશ (emphasis provided) માટે છે. હજુ વધારે મહેનત કરીશ. તો કઇ મહેનત કરશે…? તેનો શો અર્થ થાય છે?
કેટલાક પ્રશ્નો મનમાંં ઉભર્યા વગર રહેતા નથી…
શું આવું સરળ અને સચોટ સત્ય હંમેશ માટે ઢંકાયેલું રહી શકે?
આ દેશના વડાપ્રધાન મોદીજી કે જે એક વિશ્વ નેતા છે, તેમણે પીછેકદમ કેમ ભર્યા ?
૨૬ મી જાન્યુઆરી એ લાલકિલ્લા ઉપરનો નગ્ન નાચ શું સૂચવે છે?
૧૪-૧૪ મહિના સુધી ચાલતા આંદોલનમાં ચીન અને પાકિસ્તાન નાણાં આપે છે?
કોરોના પછી ચીનમાંથી જે વેપાર ખસી ગયો અને ચીનના ઉત્પાદન યુનિટો ખસીને ભારતમાં આવવા માંડ્યા હતા તેને રોકવા ચીન રસ લઇ રહ્યું છે?
ખાલીસ્તાનીઓ આ આંદોલનમાં કૂદીને દેશવિરોધી પ્રવૃત્તિનું પ્લેટફોર્મ બનાવી રહ્યા છે?
શાહિનબાગનું આંદોલન ત્રણ ચાર મહીનામાં ખલાસ થઇ ગયું તેથી પાકિસ્તાન પણ આમાં ભળ્યું છે?
પંજાબના એક્સ સીએમ કેપ્ટન અમરિંદરસિંહ કહી ચૂક્યા છે કે, પંજાબ પાકિસ્તાનની સરહદ પરનું રાજ્ય છે અને રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી સિધ્ધુને આગળ આવવા દેવાય. એ સિધ્ધુ કે જે પાકિસ્તાન જઇને બાજવાને ભેટ્યો હતો. કોંગ્રેસે કૃષિ આંદોલનને ખુલ્લો સપોર્ટ કર્યો છે. જે કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલે છે. શું એક વર્ષ કરતાં વધારે સમયથી ચાલતા આંદોલનને લઇને ભારતને આંદોલનથી અસ્થિર દેશ તરીકે પુરવાર કરીને ભારતમાં આવતો વેપાર રોકવાનું આં આદોલન છે?
વિદેશમાં વસતા ખાલીસ્તાનીઓનો આ આંદોલનને જે સપોર્ટ છે, તે ભારત માટે ખતરારૂપ છે?
શું આ માટે ત્રણ કૃષિ બિલ પરત ખેંચીને સરકારે પીછેહઠ કરી છે?
તો શું, પડોશી દેશોએ આપણી સામે ઉભા કરેલા જે પડકારો છે, તે પડકારોને માન્યતા આપવારૂપ કૃષિ કાયદા પાછા ખેંચ્યા છે? “દેશ ઝૂકને નહીં દુંગા” કહેનારા પીએમ – પાકિસ્તાનને સીધો પડકાર આપીને સીધુ દોર કરી દેનારા પીએમ આપણા દેશની બહારના આ પડકારો માટે કંઇક કરશે કેમ?
જે પડકારો છે તેમાં દેશની અંદરના કોઇ પડકારો છે કે કેમ, એની દવા આ પી.એમ. કરશે કે કેમ?
શું આ વ્યૂહાત્મક પીછેહઠ પુરવાર થશે? ખેડૂતોનો કોઇક વર્ગ નવા કૃષિ કાયદા અમલમાં લાવવા માંગણી કરશે કે કેમ?
ખેર, જે કંઇ થશે તે સારૂ જ થશે, એમ માનીએ.