February 22, 2009 at 4:29 pm (કવિતા)
Tags: જીવન-મૃત્યુ-સ્નેહ
જીંદગીએ કરી નરી બેવફાઇ,
હે મૃત્યુ, સાચી સમજ તું તો દેજે !
નફરત ‘ને ધિક્કારને
પ્રેમમાં પલટાવવાની રીત તો દેજે !
કંઇક શબ્દોના ખોટા અર્થઘટને
જીવનના સંબંધો બગાડ્યા,
હે મૃત્યુ, તું તો સુધારી દે,
આપી અભય વરદાન એ શાશ્વત સ્નેહનું !
પરીક્ષાની આગલી રાત્રિએ જ
ગણિતના અઘરા કોયડા ઉકલ્યા,
તેમ, મૃત્યુએ તેના છેલ્લા પ્રકરણમાં
સ્નેહના પગરણ માંડ્યા !
જીંદગી ફરી મળે તો,
પ્યાર વહાવી દઉં, અફાટ અવકાશમાં,
ધિક્કારના અવકાશને સ્નેહથી ભરી દઉં,
આપ ઘડી બે-ઘડી, હે મૃત્યુ !
હે મૃત્યુ, થોડું તો થોભી જા,
તું તો ના કર બેવફાઇ,
તું ક્યા જીંદગી છે ? હે મૃત્યુ,
તને વ્હાલ કરી લઉં,
નફરતને પ્યારમાં ફેરવી દઉં,
મૃત્યુને જીવનમાં ફેરવી દઉં !!
- પી. યુ. ઠક્કર
Leave a Comment
February 22, 2009 at 3:43 pm (કવિતા)
Tags: ઇશ્વર પ્રેમ, કવિતા
સ્નેહના આ સાગરમાં,
ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધાના,
અમારાં દીપ પ્રગટી ઉઠ્યા.
શ્રધ્ધાના અમારાં દીવડાઓમાંથી
નીકળતા કિરણોમાં જોયું તો,
અહમ્ ના વજનથી મુક્ત એવા અમે,
આયાસ વિના જ તરી રહ્યા હતા,
એક આનંદ સાગરમાં…
આનંદ સાગરના આ નવા અનુભવથી −
રોમાંચિત થયું રોમે-રોમ,
‘ ને, હૃદયતલમાંથી ઉભરી રહેલા આનંદ સાથે,
વૃક્ષો, રસ્તાઓ, ગગન, સાગર અને સર્વે −
મંદ મંદ મુસ્કરાતા લાગ્યા,
એ સઘળામાંથી પ્રાપ્ત શાંતિના ઇશ્વરમાં,
અભિન્ન લાગ્યા,
દીપક, કિરણો, શ્રધ્ધા, સ્નેહ, સાગર અને સઘળા.
કદાચ આ એ જ દ્વાર છે,
જ્યાંથી ઇશ્વર પ્રવેશે છે…
- પી. યુ. ઠક્કર
2 Comments