ગદ્યસુર -એક ગુજરાતી બ્લોગનું ટાઇટલ છે. બ્લોગર-મુરબ્બી શ્રી સુરેશભાઇ જાની છે. તેના પર એક પોસ્ટ છેઃબારણું એક અવલોકન. ઘરના વિધ વિધ બારી અને બારણાંની વાત કરી છે. જે અહીં છે. http://gadyasoor.wordpress.com/2011/04/20/door/
…
જેનો સાર એવો છે કે, ઘરના અમુક બારણાંમાંથી અંદરથી બહાર જોઇ શકાય. દા.ત.દિવાનખંડના બારણામાં રાખેલ છિદ્રમાંથી બહાર જોઇ શકાય પણ બહારથી અંદર ના જોઇ શકાય. ઓફીસમાં બોસની ચેમ્બરના દરવાજામાં રાખેલ છિદ્રમાંથી બહારથી બોસ છે કે કેમ; તે જોઇ શકાય પણ બોસ અંદરથી બહાર ના જોઇ શકે. શરીરરૂપી આ દિવાલમાં કેદ થયેલો છે તે તો જ્યારે આ શરીરની દિવાલ પડી જાય ત્યારે બહાર આવી જાય!! મુ.શ્રી સુ.જા.એ એકદમ ઓછા શબ્દોમાં અને સરળ શૈલીમાં ઘણું કહી દીધુ છે.
બારણું એક અવલોકનમાં જે છે તેનો સાર-સંકલન છે કે, શરીરરૂપી દિવાલ પડ્યા પછી તો બસ, આનંદ આનંદ અને પરમાનંદ. આ પોસ્ટ ઉપર માન. પ્રજ્ઞાજુબેને કોમેન્ટ આપી છે. (મારે બે-ત્રણ વાર વાંચવી પડી-સમજવા માટે ) ભાષા બહુ સરળ છે પણ વિષય જ ગહન છે ને? પ્રજ્ઞાજુબેને રાગ-દ્વેષ, અને ત્રીજા પરિમાણની વાત કરી છે. અહમ્ નો લોપ અને સ્નેહનો વિસ્તાર એવુ કહ્યું છે. મેં આ મારી રીતે લખ્યું છે. પણ પ્રજ્ઞાજુબેને તેમની રીત અને શૈલીમાં સરસ સમજાવ્યું છે.
આ વાંચીને હજારો વિચારો ધસી આવ્યા-ઉમટી પડ્યા..તે વિચારોની યાત્રા – સ્વરૂપ શબ્દોનું.
તા.૧૩ મી એપ્રીલ જન્મ દિવસ હોવાથી મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી. Many many happy returns of the day!! શુભેચ્છાઓ પાઠવનારા મિત્રો અલગ અલગ પણ હું એકનો એક. આ શુભેચ્છા એટલી બધી વખત મળેલી કે, મનમાં સવાલ પેદા થવા માંડ્યો હતો, Many many એટલે કેટલા? ૫૪ તો થયા!! દશ, પંદર?? ના ના, ઓછામાં ઓછા હજુ ૪૦-૪૫ તો ખરા જ!!
અને આ વિચારોમાં પોસ્ટ ખાતાની સ્કીમ ભળી ગઇ!! પોસ્ટમાં બચતમાં મુકેલી રકમ મુદત પૂરી થતાં ૨૦૦૪ ની સાલમાં વ્યાજ સાથે પાછી આવવાની હતી. તે રકમ ઉપર જે દરે વ્યાજ મળવાપાત્ર થતું હતુ; તે વ્યાજનો દર કાળક્રમે ઘટી ગયો હતો. રકમ પાકી ગઇ હોવા છતાં વધુ બે વર્ષ તે રકમ મુકી રાખીએ તો, જુના અને પ્રમાણમાં ઉંચા વ્યાજના દરે તે રકમ ઉપર વ્યાજ મળે તેમ હતું આથી, વધુ બે વર્ષ એ રકમ મૂકી રાખવાનું સ્વીકારેલું. બે વર્ષ પછી, રકમ પાકીને આવવાની હતી ત્યારે ફરી પાછા વ્યાજના દર ઘટી ગયા હતા. આથી અજ્ઞાનમિશ્રિત આશ્ચર્ય સાથે એજન્ટને કહ્યું કે, ‘અમારે આ રકમની હાલ કોઇ જરૂર નથી! હજુ મુકી રાખો, વધારે વ્યાજ મળે!!’ એજન્ટ બેને સ-સ્મિત એટલું જ કહ્યું, ‘એવું ના થાય!!’ મેં દલીલ ચાલુ જ રાખી કે ના કેમ થાય? બેને કહ્યું, ‘એ તો સ્કીમ જ એવી છે.’ વધુ સમજાવતાં કહ્યું કે, ‘પ્લાન જ આવો છે. હવે રકમ લઇ લેવી પડે.’
આ જિંદગાનીની સ્કીમ પણ એવી જ છે ને? ગમે તેટલો આરોગ્યપ્રદ આહાર લેવામાં આવે, નિયમિત કસરત કરવામાં આવે, સારા હવા-પાણી મળે એવી વ્યવસ્થા હોય, પ્રાણાયામ ને યોગ કરવામાં આવે. પણ તો ય ૮૫-૯૦ થી આગળ તો ના જ જવા દે!! પ્રાણાયામ અને યોગના ટીચર હોય અને કેટલાયને એ બધું કરાવતા કરાવતાં પોતાને અ-લભ્ય લાભ મળ્યો હોય તો ય ૮૫ કે ૯૦ – પછી એટલામાં તો ખેલ ખલ્લાસ!! બીડી-સીગારેટ ના પીતા હોય તેમને પણ કેન્સર થાય. જે પીતા હોય તેમને ના પણ થાય. એક્સેસ સુગરનો પ્રોબ્લેમ હોય, બહુ કાળજી રાખતા હોય જેથી સુગર ના વધી જાય, અને કોઇ કારણસર માંદા પડે અને ખોરાક જ ના લેવાય.. પછી સુગર ઘટી જવાથી પાછુ મૃત્યુ થાય. આજે સાજા સમા દેખાતા હરતા ફરતા પડોશી અઠવાડીયા સુધી દેખાય નહીં અને ખબર પડે કે તેમને જમ્યા પછી ઉલટી જેવું થતુ હતુ મુંઝારો થતો હતો એટલે હોસ્પિટલ લઇ ગયા હતા. ખબર પડી કે હાર્ટની નળીઓ બ્લોકેજ બતાવે છે. બે દિવસ પહેલાં બાયપાસ થઇ ગયું. કાલે ઘેર લાવશે. એ તો એમનો દિકરો ડોક્ટર એટલે સમયસર દવાખાને પહોંચી ગયા- બચી ગયા. આજે ગમે તેટલો સારો રીપોર્ટ આવ્યો હોય તો બીજે દિવસે ખરાબ રીપોર્ટ આવી શકે. પોસ્ટની સ્કીમની જેમ જ!! કેસ મેચ્યોર થઇ જાય. સ્કીમ જ એવી છે. પ્લાન જ એવો છે. – પોસ્ટના, એલ.આઇ.સી.,ના એજન્ટોને આ પ્લાનની સારી સમજ પડતી હશે!!
આ શરીરરૂપી દિવાલો મજબુત હોય ત્યાં સુધી તુટતી નથી. જે અંદર છે તે બહુ હરીફાઇ કરીને આવેલો છે. બહુ જીદ્દી હોય છે. જ્યારે જન્મની ઘટનાનો તખતો તૈયાર થયો ત્યારે જન્મ લેવા કરોડો દોડ્યા હતા. પણ એક જ સફળ થયો હતો, તે આ. પછી એ જેવો તેવો થોડો હોય? proved merit & efficiency-સિધ્ધ ગુણવત્તા અને કાર્યદક્ષતાવાળો છે.
જે અંદર બેઠો છે એ બારીઓમાંથી બહાર જુએ, સાંભળે અને બોલે. બે ઘોડાઓ (રાગ અને દ્વેષ અથવા સુખ અને દુખ) રથને ખેંચ્યે જાય ત્યાં સુધી જોવાનું, બોલવાનું અને સાંભળવાનું એ ચાલુ રાખે. વિષાદ અને પ્રસન્નતાના બે સમાંતર પટા પર એની ગાડી તો ચાલ્યા જ કરે – બસ, સતત અને સતત !!
જ્યારે વિષાદ અને પ્રસન્નતાના બે સમાંતર પાટા એક થઇ જાય તે પછી ત્રીજુ પરિમાણ (ડાયમેન્શન) આવે. જે આ બે પરિમાણોથી પર હોય. બેથી પર – માટે અ-દ્વૈત. અને જ્યારે અણસાર પામવાની પાત્રતા કેળવાઇ જાય પછી તો પુછવું જ શું ? કેવી ગુંગળામણ ને કેવી વાત? બહોત પહલે સે ઉન કદમોકી આહટ જાન લેતે હૈ, તુઝે ઐય જિંદગી દૂરસે પહચાન લેતે હૈ..
બસ, બીજુ શું ? વિચારોની યાત્રા – સ્વરૂપ શબ્દોનું.
શું થતું હશે, અંત સમયે? ૧૩ મી એપ્રીલ, જન્મદિવસના તરત પછીના દિવસે, ઇન્ટરનેટ પર ગુંગળામણ શીર્ષક હેઠળ આ જ વિષય છેડાયો જોયેલો અને તા.૧૪ મી એપ્રીલે થયેલી એક રચના..
એવી ગૂંગળામણ કે ગૂંગળાવા પણ નહીંદે..
ગૂંગળામણ અકળાવે, મૂંઝાવે
વિચારલય તોડે,
શ્વસુ છુ તો ય શ્વાસ ખૂટે,
સંકલ્પો, વિકલ્પો આપોઆપ સ્ફૂરે,
હજારો વિચારો દોડે, ગભરાવે,
શું થતુ હશે, અંતસમયે?
આ સંકલ્પના જ ધ્રુજાવે ને વધુ ગૂંગળાવે,
બાકી તો ઘણાં ઉંઘી ગયા ઊંઘમાં,
ક્યાં કશું કહી ગયા ?
કહેવા નહી દે, સંદેશો દેવા નહીં દે,
સહેવાતુ હશે, પણ સહેવા નહીં દે,
સવાલ નહીં ને જવાબ પણ નહીં,
બસ, એવી ગૂંગળામણ કે ગૂંગળાવા પણ નહીં દે.
ઐય મોત,
હજારો શક્યતાઓ ઓઢી, તારી સોડમાં સૂતી જિંદગી,
પણ અગમ્ય ઓચિંતી જ સળવળી ઉઠશે એક શક્યતા,
શા માટે ?
બસ, એ જ એક નિશ્ચિત શક્યતા,
તારી ઉપસ્થિતીની !! ઐય મોત?
ખલ્લાસ, ખેલ ખતમ !!
-પી. યુ. ઠક્કર
Advertisement
‘‘…બસ, એ જ એક નિશ્ચિત શક્યતા,
તારી ઉપસ્થિતીની ઐય મોત?
ખલ્લાસ, ખેલ ખતમ !!’’
-પી. યુ. ઠક્કર
Pravinbhai….This Post is a “mix” of your thoughts in a “Lekh” and then finally a “Rachana”.
Our “thoughts” bring the “more thoughts” and we are either in the “positive” OR “negative” Path.
The realisation of the “Truth” is only possible with “Gyan or Knowledge” and the “Bhakti”…it must be said that the “Gyan” alone is incomplete without the “Bhakti” while the Bhakti “alone” can be complete without “Gyan” as in reality Bhakti “with conviction & Faith” is always “filled” with the “true Knowlege” the Supreme or the Param Tatva.
The last lines of your Rachana…warns about the Death…when one has lost the “opportunty” of thinking the “right” and then “acting” on that “understanding” !
Pravinbhai..See you on Chandrapukar !
(Gujarati translation follows )
પ્રવીણભાઇ… ‘લેખ’ માંના તમારા વિચારો અને પછી છેવટની ‘રચના’ એ બેનું ‘મિશ્રણ’ આ પોસ્ટ છે.
આપણા ‘વિચારો’ ‘બીજા વધુ વિચારો’ લાવે છે અને આપણે કાં તો વિધેયાત્મક અથવા તો નકારાત્મક માર્ગે હોઇએ છીએ.
‘સત્ય’ ની સાચી સમજણ ‘જ્ઞાન‘ અને ‘ભક્તિ’ થી જ શક્ય બને… તે કહેવું જ જોઇશે કે, એકલું ‘જ્ઞાન’ ‘ભક્તિ’ વગર અપૂર્ણ છે જ્યારે, ભક્તિ તો જ્ઞાન વગર પણ પૂર્ણ હોઇ શકે કારણ કે, વાસ્તવમાં ‘દૃઢ વિશ્વાસ અને શ્રધ્ધા’ સાથેની ભક્તિ હંમેશા ‘સાચા જ્ઞાન’ અથવા પરમ તત્વથી સભર હોય છે.
તમારી રચનાની છેલ્લી કડીઓ મૃત્યુ વિષે ચેતવણી આપે છે … જ્યારે ‘યોગ્યતમ્’ ને વિચારવાની અને પછી તે ‘સમજણ’ ઉપર ‘પ્રત્યાઘાત’ આપવાની તક ગુમાવી દેવામાં આવેલી હોય છે.
પ્રવીણભાઇ ચંદ્રપુકાર પર મળીએ.
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
શ્રી સુરેશ ભાઈ અને શ્રી પ્રવીણભાઈ એ બારણાંના અવલોકન દ્વાર દ્વારા, સુંદર અને મનનીય રીતે જીવનના આરોહ અવરોહને વિચારો થકી ઢંઢોળ્યા.
હર પ્રસંગને માણી મૂલવવાની શક્તિ
એજ જીંદગીને જાણવાની માણવાની કથા
…જે આજે અહીં ધબકી.
અભિનંદન..મનનીય લેખ માટે.
રમેશ પટેલ(આકાશદીપ)
પ્રવીણ ભાઈ,
મોંડો મોંડો ય આવી પહોંચ્યો!
વર્તમાનમાં જીવવાનો આનંદ જેમ જેમ અનુભવાતો જાય છે; તેમ તેમ અભિવ્યક્તિ કરવાની મરજી ઘટતી જાય છે.
પણ, આ સ્કીમ વાળી વાત ગમી ગઈ. એકલા રહેવું એ ઉપરવાળાની સ્કીમમાં નથી. બધી માયા એણે જ આપી છે, એ કોઈ ગમા-અણગમા વિના સ્વીકારી લઈએ.
હવે એમ જરૂર થાય છ કે, જે મિત્રોને આવા આનંદની દિશામાં આગળ વધવું હોય; તેમનો સત્સંગ ચાલુ રાખવો .
સંઘમાં જે મજા એ એકલા ના આવે! ડાકોર પદયાત્રાના અનુભવો કેટલા મજાના હતા?
ચારેક દિવસથી આ સંકલ્પ કર્યો છે; એટલે તમારો ફેન થવા (!) નીચે બોક્સ પર ટીક કરી છે . મળતા રહીશું, માણતા રહીશું.
આભાર. ચંદ્રવદનભાઇ, રમેશભાઇ અને સુરેશભાઇ.
શ્રી સુરેશભાઇ કહે છે કે,
‘‘એકલા રહેવું એ ઉપરવાળાની સ્કીમમાં નથી. બધી માયા એણે જ આપી છે, એ કોઈ ગમા-અણગમા વિના સ્વીકારી લઈએ.’’
અને આ બધું વાંધા-વચકા વગર સ્વીકારી લઇને કોઇ ગ્રંથીઓ બંધાવા ના દઇને જિંદગી જીવાય તે જ મઝા. મીના તેના ભજન-સત્સંગમાં જે કહે છે તેની થોડી વાત ભજનના બ્લોગ પર મૂકી છે. કીર્તન કરે ચિત્ત દર્પણને ઉજળુ..પ્રતિક્ષણ મન ઉપર પડતા સંસ્કરણોની એ વાત છે. http://minabenpthakkar.blogspot.com/
અને આખરે તો
જીવન તો મુસાફીરખાનું છે,
કોઇ સદા નહીં રહેવાનું છે,
કોઇ આગળથી કોઇ પાછળથી,
પણ જરૂર જરૂર જવાનું છે.
ઉપરની રચના સંત શ્રી પુનિત મહારાજની છે..
જતાં પહેલા આ જિંદગીનો બધી ક્ષણો મઝાથી અને દિલચશ્પીથી માણી લેવામાં આવે તે જ જિંદગી. અને જ્યારે જિંદગાની મઝાની તો પછી મોત પણ મઝાનું જ હોય ને?