Posted by: puthakkar on: March 1, 2009
* મોહાંધ વ્યક્તિને તે પોતે સામે શું જોઇ રહ્યો છે; એનું ભાન રહેતું નથી. સાપને દોરડું સમજી લેનાર બિલ્વમંગલની વાત આપણે બધા જાણીએ છીએ.
* બિલ્વમંગલની દૃષ્ટિમાં રહેલા કામરૂપી સ્વાર્થને લઇને લોલુપતામાં પરિણમેલા પોતાના શરીરને અને મનને સખ્ત શિક્ષા કરવા માટે બિલ્વમંગલે આંખો ફોડી નાંખી હતી.
* બિલ્વમંગલે તેના મનને ઠીક કરીને આ જગતને કામરૂપી દૃષ્ટિથી ન જોવાનો નિર્ધાર કરેલો.
* પણ વર્ષો સુધી ખોટી વિચારધારાઓથી ટેવાઇ ગયેલું તેનું મન તેના આવા પવિત્ર નિર્ધારને પાર પાડવામાં સાથ આપતું ન હતુ.
* મનથી જાગી ગયેલા બિલ્વમંગલને અંતર્મુખી થઇ, આંખો બંધ કરને ઇશ્વરને જોવામાં તેના પોતાના ચર્મ ચક્ષુ અંતરાયરૂપ થતાં જણાયા હતા.
* તેથી પાપની સામે લઢી લેવાના દૃઢ નિર્ધારને લઇને છેવટે બિલ્વમંગલ હઠાગ્રહી બની ગયો અને છેવટે મન કાબુમાં ના આવતાં પોતાને શિક્ષા કરવાનો નિર્ધાર કરી નાંખ્યો.
* છેવટે, બિલ્વમંગલે ગરમ સળીયાથી પોતાના હાથે જ પોતાની આંખોને કાયમ માટે દૃષ્ટિહીન કરી નાંખી.
* દૃશ્ય જગતને સદા નીરખી નીરખીને મનને દુષતિ કરતી આંખોથી આ જગતને જોવાને બદલે કેવળ એક ઇશ્વરને જ મનમાં ધારણ કરવાની બિલ્વમંગલની અસાધારણ ભૂખે એને આવું સખત કામ કરવા માટે પ્રેર્યો.
* બિલ્વમંગલના મનમાં ઇશ્વર માટે કેવું અદ્વિતિય સ્થાન હશે?
* ભગવાન માટેની માત્ર અપ્રતિમ તાલાવેલી જ આવું કામ કરાવી શકે.
* અને તે તાલાવેલી કંઇ જેવી તેવી હોય નહીં !!
* જગન્નિયંતા પરમેશ્વર સિવાયનું કંઇ પણ મન સહન ન કરી શકે, એવી બિલ્વમંગલના મનની સ્થિતી થઇ હશે.
* એક વખતના લોલુપ બિલ્વમંગલ ઇશ્વરને પામવા વિહ્વળ બની જાય છે. ઇશ્વર સિવાય તેઓ કંઇ સહન જ કરી શકતા નથી. ત્યારે, આ જગતને બિલ્વમંગળમાંથી રૂપાંતરીત થયેલા ભક્ત સૂરદાસ પ્રાપ્ત થયા.
* બિલ્વમંગળના મનમાંથી પાપ ગયું ત્યારે આ જગતને સૂરદાસરૂપી પવિત્ર માનવી અને એક સાચા ભક્ત મળ્યા.
* સૂરદાસના નામે એક સાચા ભક્તરાજ એ જ વ્યક્તિ હતી કે જે, પહેલાં એક લોલુપ બિલ્વમંગળ હતો.
* અલબત્ત, જગતમાં એવી કોઇ વ્યક્તિ નહીં હોય જેણે જન્મીને કોઇ ને કોઇ ભૂલ ના કરી હોય.
* પણ તે ભૂલોની લઘુતામાં – દીનતામાં ફસાયા વિના હિંમતથી તેવી નબળી માનસિકતામાંથી બહાર આવી જઇ ઉચ્ચ જીવન જીવવાનો બિલ્વમંગળે પ્રયાસ કર્યો તો, સફળતા મળી.
* બિલ્વમંગળ લોલુપતામાં ગળાડૂબ હતા પણ જાગી જઇને સતર્કતાથી સાવધાનીથી લોલુપતામાં વપરાતી શક્તિને ઇશ્વર ખોજમાં પરાવર્તિત કરી. બસ, સહજ્ સાવધાન સ્થિતી કેળવીને.
* મનને વિવેક શીખવવાની રીતે છેઃ મનને નિષ્ઠાપૂર્વક પૂછવું જોઇએ કે, હે મન, તું મને ખરેખર કહે કે તું શું ઇચ્છે છે? એમ પૂછીને સત્ય જાણીને પછી ઇચ્છાશક્તિને વિવેક શીખવી શકાય.
* મનને ધીરે ધીરે વિચારપૂર્વક કેળવવામાં આવે તો, મનને ઓળખીને કાબુમાં લેવાનું શીખી શકાય.
* અને એ રીતે ઇશ્વર માટેનો સાચો પ્રેમ કેળવી શકાય.
* અલબત્ત, મન અને હૃદયમાં ભક્તિના બીજ રોપીને તેને ઉછેરવામાં ઘણી ધીરજ અને ખંત જોઇએ. ધીરજથી શ્રધ્ધા અને ભક્તિ કેળવાય જ.
* વફાદારી અને નિષ્ઠા જોઇએ. બિલ્વમંગળની જેમ આંખ ફોડી નાંખવાની જરૂર નથી, પણ વફાદારીથી મનને કેળવવું જોઇએ.
* સાચો અને નેક ઇરાદો હોય અને ભજન સત્સંગનો સાથ હોય તો, ઇશ્વરને પ્યારા બની શકાય.
* સાથે સાથે, ભગવાન પણ એટલા જ દયાળુ છે.
* સાચા હૃદયથી માત્ર ઇશ્વરને જ પ્રાધાન્ય આપવામાં આવે તો, ભગવાન તે માટેની ખાતરી મેળવવા આકરી કસોટીઓ જરૂર કરે.
* અને તેવી કસોટીમાં બિલ્વમંગળ જેવી સાચી નિષ્ઠા અને વફાદારી જણાય તો, ભગવાન પણ મક્કમ ઇરાદા અને સાચી નિષ્ઠા હોય ત્યાં અચૂકપણે તેમની દયા દર્શાવે. વફાદાર વ્યક્તિ બિલ્વમંગળની જેમ કસોટીઓમાં અચૂકપણે પાસ થાય.
* શરત છેઃ ઇશ્વર ઉપરના બિનશરતી ઉંડા અને સાચા પ્રેમની.
* પરમકૃપાળુ પરમેશ્વરની પરીક્ષામાં પાસ થતાં જ કૃપા નિધાન તેમની કૃપા અને સ્નેહના બધા જ દરવાજા આવા સાચા ભક્ત માટે અચૂકપણે ખુલ્લા મૂકી દે.
* નરસિંહ મહેતા જેવા ભક્તો માટે ભગવાને અનેકવાર તેમના કુબેર-ભંડારો ખુલ્લા મૂકી દીધેલા હતા.
* નરસિંહ મહેતાના મનમાં દુન્યવી આટાપાટાની કોઇ વાત જ ન હતી. તેમના મનમાં તો એક માત્ર ઇશ્વરના માધ્યમ થકી સર્વ માટે પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ હતો.
* દયાળુ ભગવાન રીઝે તો, આપણને ભૌતિક સુખો પણ આપે.
* અલબત્ત, સાચા ઇશ્વરના શોધકોને મન તેવા સુખોની કંઇ પરવા હોતી નથી. પણ આધ્યાત્મિક અને ભૌતિક એમ બધી ય રીતે ઇશ્વર પોતાના સાચા ભક્તો ઉપર કૃપા ઉતારતા હોય છે.
* આવી જ રીતે, મનની ખોટી અને અવળી સ્થિતીને લીધે પતઇના રાજાને મહાકાળી માતામાં ‘મા’ દેખાતી ન હતી.
* જગત ખરેખર જેવું હોય છે તેવું વ્યક્તિને ભાસતુ નથી પણ વ્યક્તિ જેવી રીતે જગતને જુએ છે; એવું જગત તેને દેખાય છે.
* પતઇના મોહાંધ રાજાને તેના મનની લોલુપતાને લીધે તેની સામે જ ઉભેલી અને જેમને તે નીરખી રહ્યો હતો તે સાક્ષાત ‘મા’ જ હતી છતાં, પતઇના રાજાને તેમાં ‘મા’ના દર્શન થતા નથી.
* પતઇના રાજાએ તેના મનમાં કામને સેવી સેવીને મનને એટલું દૂષતિ કરી નાંખ્યું છે કે, સામે રહેલ વ્હાલના દરીયારૂપી ‘મા’ માં તેને મા દેખાતી નથી. કેવી માનસિક ઋગ્ણતા? કેવી બિમાર મનોદશા?
* માટે જ મહાકાળી માતા છેવટે પતઇના રાજાના અંતરચક્ષુ ખોલી નાંખે છે.
* સ્ત્રી એ એક શક્તિ છે, સ્ત્રી એ પરાશક્તિ છે.
* ઇશ્વરે તેમના સર્જનની શક્તિને સ્ત્રી મારફત પ્રગટ કરી છે.
* પૂર્વની સંસ્કૃતિ, એટલે કે, ભારતની સંસ્કૃતિએ સ્ત્રીને પૂજનીય અને આદરણીય ગણી છે.
* જ્યારે તેથી વિરુધ્ધ, પશ્ચિમની સંસ્કૃતિએ સ્ત્રીને માનની નજરે જોવાના બદલે ઉપભોગનું સાધાન ગણ્યુ છે.
* આ અંગે કોઇ સંસ્કૃતિનો વિવાદ કરે તો પણ એનો ઇન્કાર થઇ શકે તેમ નથી કે, ભારતીય સંસ્કૃતિએ દેવી અને માતાના સ્વરુપે સ્ત્રીની પૂજા કરી છે. જ્યારે પશ્ચિમે એવું નથી કર્યુ.
* પશ્ચિમની પ્રજા એટલે કે, યુરોપ અને અમેરીકા ખંડ. યુરોપ અને અમેરીકાની ગોરી ચામડીવાળી પ્રજા. તે પ્રજા માત્ર બુધ્ધિથી વિચારે. જ્ઞાનરૂપી તલવાર વડે પશ્ચિમનું જગત બધા ભૌતિક પાસાને સ્પષ્ટ કરે છે. માટે જ માનવીય લાગણીઓથી તે પ્રજા ક્યારેક પર જણાય છે. તેની આગવી શૈલી છે. લાક્ષણિકતા છે.
* પશ્ચિમની આખી સંસ્કૃતિ જ ભૌતિક સંસ્કૃતિ છે. એ તેમની લાક્ષણિકતા છે.
* જગતની કોઇ પ્રજાને આપણે ઉતરતી ન ગણવી. તેમની લાક્ષણિકણાને આપણે નકારાત્મક રીતે ન જોવી જોઇએ.
* અલબત્ત, અમુક બાબતમાં આપણા દેશમાં, આપણી સંસ્કૃતિમાં કેવું હોય છે; અને એ જ બાબતમાં બીજી સંસ્કૃતિમાં કે બીજા દેશોમાં કેવું હોય છે; તેની વિચારણા થઇ શકે.
* અને જે જે તફાવત દેખાય તે અલગ અલગ સંસ્કૃતિની લાક્ષણિકતાઓ માત્ર છે. વિવિધતાન સર્જક ઇશ્વરે જ એમ થવા દીધુ છે, એમ જ ગણવું. બંને સંસ્કૃતિઓની બધી બાબતોમાંથી માત્ર કોઇ એકાદ કે, મર્યાદીત બાબતને લઇને બંને સંસ્કૃતિ વચ્ચે સરખામણી કરીને એકને ચઢીયાતી અને બીજાને ઉતરતી ગણવી જોઇએ નહી.
* પરંતુ જે તે સંસ્કૃતિમાંના દોષ પ્રત્યે તે પ્રજા કેવા અને કયા કયા ફેરફાર કરી શકે, તેની વિચારણા કરવા માટે માર્ગદર્શનાત્મક સિધ્ધાંત તરીકે બીજી સંસ્કૃતિને વિચારી શકાય.
* સુધારણા માટેની આ એક જ પ્રક્રિયા હોઇ શકે. દરેક ચીજ-વસ્તુ પોત-પોતાના સ્થાને બરાબર જ ગણવી રહી. કારણ કે, ઇશ્વરે તેવી ઘટના ઘટવા દીધી છે. માટે તે જ સત્ય છે. હવે તેમાં આગળ વધીને માનવીએ પોતાની ઇચ્છાશક્તિ અને વિવેકશક્તિને કામે લગાડીને સુધારો કરવો જોઇએ. જે પ્રજા નિષ્ઠાપૂર્વક સુધારો કરી લે, તે આગળ વધી જાય છે.
* ભારતની સંસ્કૃતિ સંસ્કારનું સીંચન કરે છે કે, પુરુષ જ્યારે સ્ત્રીને જુએ ત્યારે તેનામાં માતા અને ભગિનીનુ દર્શન અને ભાવ થવા જોઇએ. એ જ રીતે સ્ત્રી પુરુષને જુએ ત્યારે ભ્રાતા અને પિતાનું દર્શન થવું જોઇએ.
* મન આ રીતે કેળવાય તો, લોલુપતાને અવકાશ રહે નહીં.
* મનની દૃષ્ટિથી આ જગતને મલીનતા અને મોહરૂપી સ્વાર્થ વગર જગતને જોવામાં આવતાં જગત એકસરખું લાગે. ભેદભાવ વિનાનું લાગે. મન હલકુ થઇ જાય. હૃદયતલમાંથી ઉભરીને બહાર આવતો અને કદી પણ ન ખૂટવાવાળો આનંદ પણ કદાચ સ્ફૂરવા માંડે.
– પી. યુ. ઠક્કર
Posted by: puthakkar on: February 22, 2009
એ તો આશાનો જ તંતુ છે જે, આપણને આવતીકાલના ઉજળા ભવિષ્ય માટે જીવનમાં રસ પડવા દે છે. આપણામાં કોઇ આશા જીવતી ના હોય તો કલ્પના તો કરી જુઓ કે શું થાય? એવી કલ્પના માત્રથી જ ધ્રુજી જવાય !!. આપણે ભગવવાનનો આભાર માનવો જોઇએ કે, આપણને પરમકૃપાળુ ભગવાને વિચારવાની શક્તિ આપી છે. ક્યાંકથી કોઇક ની પાસેથી આપણને સારા સમાચાર મળશે, કોઇક સારા માણસો મળશે જ. આમ, આપણાં રખડતાં ભટકતાં વિચારોમાં ક્યાંક ને ક્યાંક તો પાછો પેલો આશાનો તંતુ તો છૂપાયેલો હોય જ છે; જે જીવનને જકડી અને સાંકળી રાખે છે. આશા ગુમાવી ન દેવા માટેની શક્તિ આપણામાં છે જ; જે બદલ આપણે ઇશ્વરના આભારી જ છીએ. ગમે તેવા સંજોગો કેમ ના હોય, નવેસરથી શરૂઆત થઇ જ શકે. ભલે ને પછી તે ધંધાકીય વર્તુળ હોય, નોકરીનું સ્થળ હોય, સગા-વ્હાલાનો અને જ્ઞાતિજનોનો સમૂહ હોય, અડોશ-પડોશ હોય કે પછી અંગત મિત્રો હોય.
એક આધ્યાત્મિક લેખક Neale Donald Walsch કહે છે,
“It is not God’s function to create and uncreate circumstances in your life. God created you, in the image and likeness of God. You created the rest.”
‘‘આપણા જીવનમાં સંજોગોનું સર્જન કરવું અને સંજોગોને દૂર કરવા, તે ઇશ્વરનું કાર્ય નથી. ઇશ્વરે તો માત્ર આપણને સર્જ્યા છે; તેમની પોતાની પ્રતિકૃતિરૂપે અને ઘણાં ઇશ્વરીય ગુણો સાથે; ઇશ્વરની પોતાની જેમ જ !! બાકીનું બધું તો આપણે પોતે જ સર્જન કરેલું છે.’’
તેથી ગમે તે કારણોસર નિરાશા અને નકારાત્મકતામાં ફસાઇ ગયા હોઇએ તો, ચોક્કસપણે હકારાત્મકતા અને સારા કૃત્યો દ્વારા તેના ઉપર વિજય પ્રાપ્ત કરી જ શકાય, નવેસરથી શરૂઆત કરીને. નવેસરથી શરૂઆત કરવામાં કદી પણ મોંડુ નથી હોતુ. જાગ્યા ત્યાંથી સવાર.
આવો, નવી શુભેચ્છાઓ, આપણે આપણને પોતાને જ અર્પણ કરીએ… હે પ્રભુ, અમને સમગ્ર વિશ્વમાંથી સારા વિચારો પ્રાપ્ત થાઓ. અમને નવી આશા અને નવી ચેતના પ્રદાન કરો.
સુબહ હિન્દી ફિલ્મના એક ગીતના શબ્દો…
નામ ના જાને, કામ ના જાને,
જાને ન સેવા પુજા,
જાને બસ ઇતના, અજાન હમ,
એક નામ, નહીં દુજા,
નહીં દુજા, તુમ આશા વિશ્વાસ હમારે,
એટલી જ ખબર છે કે, અમે અજાણ અને અજ્ઞાની છીએ. કેટલી સરળતા ! ‘અમે બધુ જ જાણીએ છીએ’ – નો કોઇ દંભ નહીં. પ્રભાવ પાડવાનો કોઇ પ્રયત્ન નહી. નરી નમ્રતા. નામ કે કામની કોઇ જ ખબર નથી. સેવા પૂજા શું છે તેની પણ ખબર નથી. માત્ર એક જ ખબર છે, બસ હરીનામ. બીજુ કંઇ જ નહીં. જ્યારે હરીનામ જ લેવાતું હોય તો, મન વિચારોની જાદુઇ કાપડરૂપી ગૂંથણી કરે જ નહીં. કોઇ પ્રપંચ કે કાવાદાવા પણ નહીં. જાને તો બસ ઇતના, અજાન હમ, એક નામ નહીં દૂજા.
તુમ ધરતી, આકાશ હમારે,
તુમ ધરતી, આકાશ હમારે રામા..
તુમ આશા વિશ્વાસ હમારે
હે પ્રભુ, અમે ગ્રાઉન્ડ રીયાલીટીમાં રહીએ કે, આકાશમાં ઉંચે ઉડીએ, પણ હે પ્રભુ, અમારા માટે ધરતી અને આકાશ એ બંને આપ જ છો. જ્યારે પ્રભુ જ સર્વસ્વ હોય તો, માનવી હવાઇ કિલ્લા બાંધીને પછી પડવા માટે ઉંચે આકાશમાં ચઢે જ શી રીતે ? હે પ્રભુ અમારા માટે તો આપ જ સર્વસ્વ છો.
ભાત ભાત તુમ, બંધુ ભ્રાત હો..
દિવસ રાત્રી, સંધ્યા પ્રકાશ હો.
દીપક, સૂર્ય, ચંદ્ર, તારકમેં રામા
તુમ હી જ્યોતિ, પ્રકાશ હમારે રામા
તુમ આશા વિશ્વાસ હમારે
હે પ્રભુ, તમે જ અમારા માટે રાત્રિ, સંધ્યા, પ્રકાશ બધુ છો. પ્રજ્વલિત જ્યોતમાં, સૂર્યમાં, ચંદ્રમાની શીતળ ચાંદનીમાં, અને ટીમ ટીમ થતાં તારાઓમાં વ્યાપક હે પ્રકાશ તત્વ પ્રભુ, એ આપ જ છો. હે પ્રભુ, આપ ભાત ભાતના અને જાત જાતનો લાગો છો. અમારા ભાઇ સમાન હૂંફ અને રક્ષણ આપનાર પણ આપ જ છો.
સાઁસોમેં તૂમ આતે જાતે,
એક તૂમ હી સે હૈ સબ નાતે,
જીવનવનકે હર પતઝડમેં…રામા
એક હી તૂમ્હી, મધુમાસ હમારે રામા
તુમ આશા વિશ્વાસ હમારે
હે પ્રભુ, જીવનમાં એક માત્ર તમારો જ નાતો છે. શ્વાસ-ઉચ્છવાસમાં અવર-જવર કરતો પ્રાણ પણ પ્રભુ આપ જ છો. જીવનના કપરા સમયમાં હે પ્રભુ આપ જ એક અમારા ઉધ્ધારક છો જે અમને મધુમાસ સમાન લાગો છો.
તૂમ હી સબમેં, હૈ તૂમમેં સબ…
તૂમ હી સબ હો, હો તૂમ હી રબ
અશ્રુ હમારી, આંખોમેં તૂમ… રામા
તૂમ હોઠો પર, આશ હમારી રામા
તૂમ આશા વિશ્વાસ હમારે (ર)
રામા હમારે, દાતા હમારે…
તૂમ આશા, વિશ્વાસ હમારે
અમારી આંખોમાં આંસુ હોય ત્યારે પણ અમારા હોઠ ઉપર આશારૂપી તમારૂ જ ગાન હશે. કારણ કે, આ સમગ્ર જગત આપનામાં જ સમાવિષ્ટ છે. અરે આ જગત અને સઘળુ હે પ્રભુ, આપ જ છો. હે પ્રભુ, અમારી આશા અને વિશ્વાસ આપ જ છો. અમને એવી પાકી આશા છે કે, હે પ્રભુ જે કંઇ બને છે તે આપની ઇચ્છા મુજબ જ થાય છે.
કૃષ્ણ નામક તત્વનો જય હો.
– પી. યુ. ઠક્કર
Posted by: puthakkar on: February 22, 2009
મારો લાલો એવો છે, એ સૌનો વ્હાલો છે,
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે
એના ગાલોમાં ખંજન, એની આંખોમાં અંજન.
એની આંખોમાં મસ્તી, એના હાસ્યમાં છે તોફાન.
એનું નામ જ કૃષ્ણ છે, એ કર્તા હર્તા છે,
રંગે એ શામળીયો, તો પણ એ રૂપાળો છે,
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.
માટી એ ખાતો ’તો, બળદાઉએ પકડ્યો ’તો.
પકડાઇ ન જાનારો, પકડાઇ ગયો ત્યારે,
માતાને કહી દીધું, માટી નથી ખાધી મેં,
કાંડુ એનું પકડી’ મુખ માતાએ દીઠું,
ચાલાક ચતુર એવો, બ્રહ્માંડ બતાવ્યું ’તું,
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.
મામાને માર્યા ’તા, માસીને પણ મારી.
નાગ કાળીને તાર્યો, દૈત્યોને સંહાર્યા ’તા.
ગોપી સુધાના સ્નેહે, ઉપનંદનું રુપ લીધું,
મારા લાલાને પૂજી, ગોપીએ હોળી પૂજી,
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.
જે કોઇ મને ભજશે, તેને હું શોધી લઇશ.
વચને એ બંધાયો, મારો લાલો બેલી છે.
ક્યારે કેવા સ્વરુપે મળશે, એ એની માયા છે,
પણ જરુર જરુર મળશે, મારો લાલો એવો છે,
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.
એ જગન્નીયંતા છે, હરી ભક્તોનો એ દાસ.
આંધી પવનમાં એ, જ્વાળાઓમાં પણ એ.
કણ કણમાં એનો વાસ, સૌના હૃદયમાં એ,
ગોપી મંડળના ભજને, ‘મીના’ ના હૃદયમાં એ,
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.
મારો લાલો એવો છે, એ સૌનો વ્હાલો છે.
Posted by: puthakkar on: February 22, 2009
(એક ગઝલ)
લાલાની ભક્તિમાં ડૂબીને,
લાલાની ભક્તિમાં ડૂબીને,
દ્વેષ અને રાગ તો છૂટવાના
લાલાની ભક્તિમાં ડૂબીને,
દ્વેષ અને રાગ તો છૂટવાના.
ખુમારી એવી આવશે,
ખુમારી એવી આવશે,
દ્વેષ અને રાગ તો છૂટવાના,
લાલાની ભક્તિમાં ડૂબીને,
દ્વેષ અને રાગ તો છૂટવાના.
દરગુજર કરવા લાગશો અને,
પ્રેમ પણ ફેલાવશો,
માફ બધાને કરી દેશો,
દ્વેષ અને રાગ તો છૂટવાના.
આનંદ અને મસ્તીથી ઝૂમવાના,
ડંખ જૂના સૌ ભૂલીને,
મૃત્યુથી નહીં તમે ડરવાના,
દ્વેષ અને રાગ તો છુટવાના,
લાલાની ભક્તિમાં ડૂબીને,
દ્વેષ અને રાગ તો છુટવાના.
શાંતિરૂપી ગંગા પામીને,
ડૂબકીઓ એમાં લગાવજો,
મસ્તીમાં એની ડૂબીને,
દ્વેષ અને રાગ તો છૂટવાના.
રાગ અને દ્વેષો અકળાવે,
ને દુઃખના દરીયે ડૂબી જાવ,
લાલાના ભજનો ગાઇને,
દ્વેષ અને રાગ તો છૂટવાના,
લાલાની ભક્તિમાં ડૂબીને,
દ્વેષ અને રાગ તો છૂટવાના,
લાલાની ભક્તિમા’ ડૂબીને,
પાવન તમે તો થઇ જાશો.
– પી. યુ. ઠક્કર
Posted by: puthakkar on: February 22, 2009
હતાશા એટલે શું?
ભજનથી હતાશા દૂર થાય. વ્યાયામ પણ થાય
વ્યાયામ કેવી રીતે ? તેની બીજી વાત.
ભજનથી મનોભાવ કેવળવાય
‘મારા લાલાને કોઇયે ના કપટી કહેશો,
એને કદીયે તો સુખનો ના વારો આવ્યો,
એણે જન્મ લીધો દેવકી કુખે,
જન્મતાની સાથે, એને જેલ મળી,
રાજાઓનો મહારાજ, એ તો વિશ્વ સરતાજ,
તો યે ગાયોનો એ તો ગોવાળો બન્યો, - ગોવાળો બન્યો
ઓ.. મારા લાલાને કોઇયે ના કપટી કહેશો..
— પી. યુ. ઠક્કર
સાથે સાથે તાળી પડતી હોય, ભજનની લય સાથે શ્વસનમાં લયબધ્ધતા આવી ગઇ હોય, અને પ્રાણાયામ આપોઆપ થઇ ગયા હોય. તેથી મનની એકાગ્રતાની શક્તિ આપોઆપ અને સહજપણે કામે લાગી ગઇ હોય. આપણી એકાગ્રતાની ક્ષમતાને ઇશ્વર નામમાં એકાગ્ર કરવી, તે જ એકાગ્રતાનો શ્રેષ્ઠતમ્ ઉપયોગ છે. મનની એવી એકાગ્ર થયેલી ભૂમિકાએ ‘લાલા’ ને કોઇ કપટી કહે, એ કેટલે અંશે યોગ્ય કહેવાય; તે માટે લાલા માટે એક ભાવ જાગે, આપણે વિચારતા થઇ કે, આ દુનિયા તેને કપટી કહે તે કેવી રીતે બરાબર કહેવાય ? લાલા માટે કોમળ લાગણીઓ જન્મે. આપણાં વિચારો પ્રવૃત્ત થાય અને ભાવ જન્મે કે, લાલો તો સીધો સાદો બનીને ગોપ-ગોપીઓનો થઇ ગયો હતો. તે જ્ઞાની હોવા છતાં અબુધ ગોપ-ગોપીઓના વ્હાલને વશ થયો. લાલો માત્ર પ્રેમસ્વરૂપ જ હતો તેવું આપણને સમજાવા માંડે. અને લાલા માટે પ્રેમભાવ જાગવાની શરૂઆત થઇ શકે.
‘ ભાવ ના જાણુ, ભક્તિ ન જાણુ, મા નવ જાણુ સેવા…’ એ શું છે ?
ભજનથી રાગદ્વેષ છૂટવાની શરૂઆત થાય
આપણે જ્યારે સમૂહ સાથે એકરાગ અને એકસૂર થવાનું શીખીએ તો, આ જગતના બે-સૂરા જણાતા બધા રાગો સાથે પણ આપણને ધીમે ધીમે એકસૂર થવાનું આવડવા માંડશે. ભલેને પછી તે બધા રાગ આપણને ગમતા હોય કે, ના ગમતા હોય. જેમ જેમ મનની સચ્ચાઇ અને નિષ્ડા વધતી જશે તેમ તેમ આગળ જતા એક એવો તબક્કો આવશે કે, જ્યાં ધીમે ધીમે રાગ અને દ્વેષ નામના બે શબ્દો બે નહીં રહે. જેમ જેમ ભજનના શબ્દોના ભાવ મનમાં ધારણ થતા જશે તેમ તેમ; ઇશ્વર વિષયક બાબતોનો વધારો આપોઆપ થશે. ભજનમાં આપણી સાથે ગાનારા લોકો પ્રત્યેના ગમા-અણગમા આપોઆપ દૂર થવા માંડશે. અને ધીરે ધીરે, ભજન સિવાયના ક્ષેત્રના લોકો પ્રત્યેના ગમા-અણગમા પણ દૂર થતાં બધી વ્યક્તિઓ અને દરેક પરિસ્થિતીઓ
દુઃખી દુઃખી થઇ જતા લોકો
દુઃખી લોકોની એક જ સમસ્યા હોય છે કે, આ દુનિયા સાથે બરાબર મેળ નથી જામતો. તેમને લાગતું હોય છે કે, જીવવાની મઝા નથી આવતી. હવે, લોકોમાં પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી. ઉપર ઉપરથી આપણને સાચી લાગતી આ વાત થોડીક છેતરામણી છે. આ વાત જૂઠ્ઠી છે અથવા હકીકતલક્ષી નથી; એવું આપણે કહેતા નથી. પણ સાથે સાથે, આ વાત સાચી લાગતી હોય તો પણ થોડી વિચારણા માંગી લે તેવી છે. અગાઉ પણ આપણને દુનિયા પ્રેમાળ લાગતી હતી, પરંતુ તે સમયે પણ તેના અગાઉના વખતની દુનિયા આપણને વધુ પ્રેમાળ લાગતી હતી. તેથી આપણને પ્રશ્ન થવો જોઇએ કે, તો શું આપણે સમય સાથે તાલ મીલાવવામાં કાયમ જ મોંડા પડીએ છીએ? શું આપણે વિદ્યમાન પ્રવાહ અને પરિસ્થિતી સાથે તાલ મીલાવવા માટે સક્ષમ નથી? આપણે વિચારવું જોઇએ કે, શું આપણે ક્યાંક ઉણા ઉતરતા તો નથી ને? જ્યારે આપણે ભજન-સત્સંગ થકી મોટા માનવસમૂહ સાથે હળવા-ભળવાનું શીખીશુ તો, આ બધુ ઠીક ઠાક થવાની શરૂઆત ભજન અને સત્સંગથી થાય.
ભજનથી પ્રાણાયામ થાય – ખાલીપો દૂર થાય
જેઓ પ્રાણાયામ કરતા હશે કે, પ્રાણાયામ શીખ્યા હશે તેમને ખબર હશે કે, મનને અને પ્રાણને બહુ નિસ્બત છે. મન અને પ્રાણ એકબીજા ઉપર આધારીત છે. મનની સ્થિતીની અસર આપણાં પ્રાણ ઉપર એટલે કે, શ્વાસોચ્છવાસ ઉપર પડતી હોય છે. અને એ જ રીતે આપણા શ્વાસોચ્છવાસની અસર આપણા મન અને વિચારો ઉપર પડતી હોય છે.
મન અને પ્રાણનો સંબંધ સમજવા માટે એક ઉદાહરણ જોઇએ. આપણે શાંતિથી ચાલતા ચાલતા પસાર થતા હોઇએ અને એકાએક લઢતા બે કૂતરા ભાઉ ભાઉ કરતા અચાનાક આપણી પાસે આવી જાય તો આપણે એકદમ ગભરાઇ જઇએ કે, ક્રોધ અને હિંસાની જ્વાળામાં ફસાયેલા આ કૂતરા મને કરડી જશે તો? બસ. એક ક્ષણ કરતાં ય ઓછા સમયમાં આવેલો વિચાર કે, ‘કૂતરા મને કરડી જશે તો?’ ભય પ્રેરીત આ વિચારથી આપણું શ્વસનતંત્ર ખોરવાઇ જતું હોય છે. આપણે બે-પાંચ કિ.મી. દોડ્યા હોઇએ એટલો શ્વાસ ચઢી જતો હોય છે. ભયપ્રેરીત લાગણી થઇ આવતી હોય છે. કૂતરા કરડી જવાનો વિચાર તો એકદમ અધકચરો હોય છે. અને બસ એક ક્ષણ કરતા ય ઘણાં ઓછા સમયમાં આપણે રીતસરના હાંફી જઇએ છીએ, ધબકારા વધી જાય છે. પેટમાં ફાળ પડી જાય છે. અને રીતસરનો પરસેવો થઇ આવે છે. આપણું સમગ્ર ચેતનાતંત્ર વેર વિખેર થઇ જાય છે. મનમાં એક પ્રકારનો અજંપો વ્યાપી જાય છે. જે રીતે વિચારથી શ્વસનતંત્ર ખોરવાઇ જાય છે, તે જ રીતે શ્વસનતંત્ર મારફત વિચારોને સરખા કરી શકાય. એટલે કે, પ્રાણાયામ કરીને શ્વાસોચ્છવાસને લયબધ્ધ કરવામાં આવે તો, આપણું વિચારતંત્ર પણ વ્યવસ્થિત થાય. લયબધ્ધ શ્વસનથી આપણાં મનની સ્થિતી એકદમ શાંત અને વિકારો વગરની થઇ શકે. આવેગો અને પ્રવેગો નિયંત્રણમાં આવે. પ્રાણને લયબધ્ધ કરવાથી મનમાં પડેલી જન્મો જન્માંતરની ભય, હિંસા, ક્રોધ, નફરત, ધિક્કાર-ધૃણા, કામ, મદ, મોહ લોભ જેવી ટાળવા જેવી વૃત્તિઓ ઉપર કુદરતી રીતે જ કાબુ આવવા માંડે. પ્રાણાયામથી આપણાં લગણીતંત્ર અને ઉર્મિઓ ઉપર શાંતિરૂપી નિયંત્રણ આવે. એટલે જ કહેવાય છે કે, શાંતિ એ ઇશ્વરનો આકાર છે.
शांताकारं भूजगशयनं, पद्मनाभं सुरेशं,
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् ।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं,
वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥
મહાન ભક્તો સંતોના ચહેરા પર આપણને જે કાંતિ અને શાંતિ જોવા મળે છે તે આ જ શાંતિ હોય છે અને તેમના મનની આનંદમય સ્થિતીને કારણે એ કાંતિ અને શાંતિ આપણને જોવા મળે છે. તેવી કાંતિ અને શાંતિ દરેક વ્યક્તિને ભજનથી પ્રાપ્ત થઇ શકે.
ટૂંકમાં ભજનના સમૂહમાં ભળી જઇને શાંતિ રીતે ભજનમાં બેસીને હૃદયપૂર્વક ભજનના શબ્દોનો ભાવ મનમાં ધારણ કરીને ગાવામાં આવે તો ધીમે ધીમે સૂર, તાલ, લય, અને એકરાગીપણુ વગેરે જ્યારે સ્વાભાવિક ક્રમથી જળવાતું થાય ત્યારે, યાદ રાખો, ભજનની સાથે સાથે, પ્રાણાયામ પણ આપોઆપ જ થવા માંડશે. અને તે પણ સ્વાભાવિક રીતે જ. કશા પણ અઘરા પ્રયત્નો વગર જ. આનંદપૂર્વક. અને પ્રાણાયામ થવાની સાથે સાથે, આપણાં પ્રાણ ઉપર કાબુ આવતો જશે. પ્રાણ ઉપર કાબુ આવશે એટલે કુદરતી રીતે મન સ્થિર થવા માંડશે. મનનો અજંપો, કે જે મોટા ભાગે ભ્રામક હોય છે; તે દૂર થવા માંડશે. મન ભરાઇ જતાં ખાલીપો દૂર થવા માંડશે.
ભજનથી રાગદ્વેષ છૂટે આપણે એવી વાત આગળ કરી પણ કેવી રીતે તે વિષે વધારે વાત.
આપણે બધાએ મનુષ્ય દેહ ધારણ કર્યો તે પહેલાં આપણા પણ અનેક જન્મો થઇ ચૂક્યા છે. આપણને સીધો જ માનવ અવતાર મળ્યો નથી. માનવ દેહમાં જન્મ મળ્યો તે પહેલાં આપણો આત્મા ઉંદર, બિલાડી, કૂતરો, વાઘ, સિંહ, પોપટ, ચકલી, સાપ વગેરે જેવા અનેક શરીરોમાંથી પસાર થયેલો છે. પશુ-પક્ષી કે જીવજંતુના શરીરોના ધર્મ ભગવાને મર્યાદીત રાખ્યા છે. જેમ કે, ભૂખ લાગે ત્યારે તે ખાય. અને ઉંઘ આવે ત્યારે તે ઉંઘી જાય. કોઇ બનાવ કે ઘટના બને તો, તે કેમ બની? કોઇ બાબતમાં યોગ્યતા છે કે કેમ; એવું કશુ તે વિચારતા હોતા નથી.
માત્ર ખાવું-પીવું, શરીરને પોષણ આપવું. પોતાનું પોષણ કરવા માટે પોતાનાથી નાના જીવનું ભક્ષણ કરતા રહેવું. સાથે સાથે, પોતાનાથી મોટો જીવ પોતાનું ભક્ષણ કરી ના જાય તે માટે પોતાની જાતની સતત રક્ષા કરતા રહેવું. આમ બસ, ભક્ષણ અને રક્ષણ આટલા કાર્યોમાં જ પશુ-પક્ષીનું જીવન વિસ્તરીને અંત પામી જાય છે. એમના ધર્મો બહુ મર્યાદીત છે.
માનવ તરીકે જન્મ ધારણ કરતાં પહેલાં અનેક પશુ-પક્ષીના શરીરોના ધર્મો નિભાવીને પોતાનું પોષણ કરવા માટે નાના જીવોનું ભક્ષણ કરતા રહેવાને કારણે ક્રોધની ગ્રંથીઓ વિકાસ પામી હોય છે. એ જ રીતે પોતાનાથી મોટો જીવ ભક્ષણ કરી ના જાય તે માટે સતત સંઘર્ષ કરતા રહેવાને કારણે અને સ્વબચાવ કરતા રહેવાથી ભય અને ડરની ગ્રંથીઓ બળવત્તર થઇ હોય છે. આમ, ભક્ષણ કરતાં કરતાં ક્રોધની અને રક્ષણ કરતાં કરતાં ભયની ગ્રંથીઓ સારી એવી માત્રામાં વિકાસ પામેલી હોય છે.
અગાઉના કેટલાય જન્મોજન્માંતરથી ક્રોધ એ ભયની આવી ઉંડી ઉતરી ગયેલી ગ્રંથીઓ સાથે જ માનવદેહમાં આપણે બધાએ અવતાર લીધેલો છે. આપણને દુર્બળ બનાવતા ક્રોધ અને ભયના વિચારોના મૂળ અગાઉના જન્મોજન્માંતરના હોય છે. તે બધું માત્ર આ જન્મનું નથી હોતુ. કેટલાય જન્મોથી આપણા ચિત્તમાં વિકાસ પામીને ભય અને ક્રોધની ગ્રંથીઓ પડેલી હોય છે. આમ, ક્રોધ અને ભયની ગ્રંથીઓના મૂળીયા આપણી ચેતનામાં ખૂબ ઉંડા ઉતરી ગયેલા હોય છે. ટાળવાલાયક આવી ગ્રંથીઓ ખૂબ જ દૃઢ થયેલી હોવાથી તેના મૂળીયા જેવા તેવા હોતા નથી. એ જ રીતે, કામ અને વિષયોના મૂળીયા પણ ઉંડા હોય છે. આમ, આપણાં અંતર્ મનમાં પડેલી કામ ક્રોધ, મદ, લોભ અને ભય વગેરેની ગ્રંથીઓના પરીપ્રેક્ષ્યમાં સ્વાભાવિક રીતે માનવ તેની આજુબાજુ બનતી ઘટનાઓને સામાન્યપણે મુલવતો રહેતો હોય છે. જે માનવીને અજંપો આપે છે અને બેચેન બનાવે છે. અને તેથી જ કવિઓ કવિતા લખે છેઃ ‘‘इसी शहरमें हर शख्स परेशान सा क्युं है, सीनेमें जलन आंखोमें तूफान सा क्यों है ?’’ આમ, આપણે ચર્ચા કરી તેમ કંઇક જન્મો જન્માંતરો સુધી પશુ યોનીઓમાં જીવન જીવીને પછી માનવદેહમાં આવ્યા છીએ. એટલે આપણામાં કામ, ક્રોધ, ભય, વગેરે જેવા દોષો ઉંડે ઉંડે મનમાં ઘરબાયેલા હોય છે. આપણામાંના આ દોષોની ગ્રંથીઓ તેને અનુકૂળ સંજોગો અને તક મળતા આવી ગ્રંથીઓ આપણાં મન અને ઇન્દ્રીયોને સાધન બનાવી તેના મારફત તેનું કામ કરાવે છે.
આપણું લક્ષ્ય શું ? તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ?
આથી જ મનુષ્ય જીવનનું કોઇ લક્ષ્ય હોય તો, આવી દુર્બળ બનાવતી કામ, ક્રોધ, મોહ, ભય અને ડરની આવી વૃત્તિઓથી મુક્ત થવું તે જ એક પરમ લક્ષ્ય હોઇ શકે. અને માનવદેહમાં ભગવાને આપણને આ બધામાંથી મુક્ત થવા માટેની શક્યતાઓ પણ આપી છે. ટાળવાલાયક આવી ગ્રંથીઓનું રૂપાંતર ભક્તિ દ્વારા ઇશ્વર સ્નેહમાં કરવા માટેનું સચોટ અને સરળ સાધન ભક્તિ છે. માનવ ધારે તો, આવી ટાળવાલાયક ગ્રંથીઓ ઉપર વિજય મેળવીને માનવમાંથી દેવ થઇ શકે. તે ઇશ્વરને પ્યારો બની જ શકે. મીરા, નરસિંહ, તુકારામ, જલારામબાપા અને કંઇક ભક્તો આવી ગ્રંથીઓથી પર બનીને અને ઇશ્વરને પ્રેમ કરીને આ જગતમાં મહાન બની ગયા છે. તેઓએ જે કંઇ કર્યુ તે માત્ર આ જ છે. તે સિવાય બીજુ કશું નહી. આવા બધા સંતો મહાત્માઓએ કોઇ અસાધારણ અને કોઇ જટીલ કામો જીવનમાં ન્હોતા કર્યા. નિષ્ઠાપૂર્વક માત્ર સાચી ભક્તિ કેળવી. ભક્ત જલારામબાપાએ સૌ માનવમાં ઇશ્વર જોતાં. તે બધાને આવકારતા – હૃદયના સાચા પ્રેમથી. તે બધાનો સ્વીકાર કરતા. બધા પ્રત્યે એ જ પ્રેમ. આવો બાપલા આવો, જમ્યા વિના જતા નહીં.
કામ, ક્રોધની આવી વૃત્તિઓમાં માનવની ઘણી બધી શક્તિ ખર્ચાતી હોય છે. આ બધામાં શક્તિ ખર્ચાય નહીં તો માનવની ઘણી બધી શક્તિઓ બચવા પામે. બચેલી શક્તિ અયોગ્ય રીતે ખર્ચવામાં ના આવે અને હૃદય ભક્તિ દ્વારા થોડુ-ઘણું પણ કેળવાયુ હોય તો, કુદરતનું તંત્ર જ એવું છે કે, બચેલી તે શક્તિ આપોઆપ સર્જનાત્મક કાર્યમાં કામે લાગવા માંડે. બસ જરૂરી એટલું છે કે, વિવેકશક્તિનો ઉપયોગ કરીને આવી ટાળવાલાયક વૃત્તિઓ પર નિયંત્રણ લાવવું. તે માટે ભક્તિ થકી મન-હૃદયને ઇશ્વરને પ્રેમ કરવાની તાલીમ લેવા દેવી, ભક્તિની શરૂઆત કરવી.
જીવનો સ્વભાવ જ ચંચળ છે એટલે તે એકપણ ક્ષણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. અને સચા ખોટા કર્મોમાં શક્તિ ખર્ચાય છે. જ્યારે શક્તિને અમુક કાર્યોમાં વહાવી દેવામાં આવે તો, અથવા માનવ સંયમ અને કાબુ વગરનો થઇને અથવા વિવેકહીન થઇને કે બહેકી જઇને પોતાની શક્તિઓને વહેવા દે તો, કર્મનો નિયમ એ રીતે ગતિમાં મૂકાઇ જાય અને તે ચોક્કસ પ્રકારના ખરાબ પરિણામોનું સર્જન કરે જ. આમ, આપણી શક્તિને કયા પ્રકારના કાર્યમાં કાર્યાન્વિત કરવામાં આવે છે; તે માટે સજાગતા અને સતર્કતા જરૂરી છે. આપણે એક પણ ક્ષણ કર્મ કર્યા વગર રહી જ શકતા નથી તેથી કર્મ જ ઉભુ ન થવા દઇએ તે તો શક્ય બનવાનું નથી. પરંતુ, આપણે જે કરી શકીએ તે એ કે, ટાળવાલાયક ષડરીપુ, એટલે છ પ્રકારના દોષ કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સર જેવી વૃત્તિઓ કે ગ્રંથીઓમાં વહેવા માંડતી શક્તિને રોકવાના બદલે, તેનું રૂપાંતર તો આપણે કરી જ શકીએ. આ શક્તિ તો એક ધારા છે. માટે જ આપણે ભજન અને ભક્તિ દ્વારા અને વિવેક વડે આપણી બહાર દોડતી ચંચળ વૃત્તિઓને પાછી વાળીને હૃદયમાં કેન્દ્રીત કરવી જોઇએ. મનમાં ભક્તિના બી રોપવા જોઇએ. તે માટે સરળ અને સચોટ ઉપાય એક ભજન અને ભક્તિ છે.
ઉપાય
જ્યારે ભગવાને પોતે જ ગીતામાં કહેલું છે કે, અનન્ય ભાવથી મારૂ ભજન કરનારા મને સૌથી વધારે પ્રિય છે, તો પછી ભક્તિ કે ભજન માટે છોછ કેવો?
ગીતામાં સ્વયં ભગવાને પોતે જ ભક્તિયોગ વિષે આખો બારમો અધ્યાય અર્જુનને કહી સંભળાવ્યો છે. ત્યારે ભજન શા માટે જરૂરી છે; તે વિષે વિશેષ કંઇ કહેવાનું રહે નહીં.
આવો, આપણે લાલાના ગુણગાન ગાઇએ. તેની ભક્તિમાં ડૂબી જઇએ. ભજનના શબ્દોને સાંભળીને તે પ્રમાણેના ભાવ મનમાં જાગવા દઇએ. ભજનના તાલ સાથે એકતાલ થઇને એને ભજનના રાગ સાથે એકરાગ થઇને આ બધા સમૂહ સાથે ભજનના માધ્યમથી, કોઇ પણ વાંધા વચકા વગર, લાલાને આપણી સાથે રાખીને, આપણે એક મોટા સમૂહ સાથે પ્રેમથી ભળી જઇએ. અને જોઇએ કે, આ સમૂહમાં આપણને કેવો આનંદ આવે છે!!
- પી. યુ. ઠક્કર
*************************************
આવો, આપણે ભગવાન માટે કે‘ડ કસીએ.
આપણા ચિત્તને ચોખ્ખું કરીને, તેમાં ભક્તિરૂપી ફૂલો પાથરીને, લાલાને બોલાવીએ.
લાલા માટે પ્રેમનું પડીકુ ખોલીએ.
ભક્તિની જ્યોત હૃદયમાં પ્રગટાવીને, તેના પ્રકાશમાં આ જગતને નીરખી જોઇએ.
રાગ અને દ્વેષ શુધ્ધ પ્રેમમાં પલટાય ત્યાં સુધી પ્રયત્નશીલ રહીએ. જેથી ઇર્ષાનો ભાર ન રહેતાં સર્વત્ર આનંદ આનંદને આનંદ જ વ્યાપે.
——-
Posted by: puthakkar on: February 22, 2009
કે’ડ રે કસી મેં તો લાલા તારે કાજે,
હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્યા
હૈયામાં ફૂલોના ઝૂલો મેં બનાવ્યો,
એ રે ઝૂલામાં તને હેતે રે ઝૂલાવું.
ઝૂલામાં બેસતા વાર જોજે થાય ના,
ભક્તિના મા’રા એ ફૂલો કરમાય ના.
ભક્તિની જ્યોત મા’રા હૃદયે પ્રગટાવજે,
એના પ્રકાશે હું જગતને જોઉં,
રાગ ’ને દ્વેષ તો પ્રેમમાં પલટાયે,
દુઃખોના દરીયે હું કદીયે ના ડૂબું.
હૃદયસિંહાસન પર લાલાની સવારી,
હૈયે છે હેત ને મનમાં છે આનંદ.
મનમાં છે આનંદ ને હૈયે છે હેત,
મીના-પ્રવીણ તને હેતે રે ઝુલાવે,
ગોપી મંડળ તને હેતે રે ઝુલાવે
ઝુલામાં ઝુલે છે નંદનો દુલારો,
લાગે છે કેવો એ રૂડો ’ને રૂપાળો.
જશોદાનો જાયો કેવો સૌનો એ પ્યારો,
ગોપીઓનો પ્યારો એ તો ભક્તોનો વ્હાલો.
હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્યા,
કે’ડ રે કસી મેં તો લાલા તારે કાજે.
Posted by: puthakkar on: February 22, 2009
જીંદગીએ કરી નરી બેવફાઇ,
હે મૃત્યુ, સાચી સમજ તું તો દેજે !
નફરત ‘ને ધિક્કારને
પ્રેમમાં પલટાવવાની રીત તો દેજે !
કંઇક શબ્દોના ખોટા અર્થઘટને
જીવનના સંબંધો બગાડ્યા,
હે મૃત્યુ, તું તો સુધારી દે,
આપી અભય વરદાન એ શાશ્વત સ્નેહનું !
પરીક્ષાની આગલી રાત્રિએ જ
ગણિતના અઘરા કોયડા ઉકલ્યા,
તેમ, મૃત્યુએ તેના છેલ્લા પ્રકરણમાં
સ્નેહના પગરણ માંડ્યા !
જીંદગી ફરી મળે તો,
પ્યાર વહાવી દઉં, અફાટ અવકાશમાં,
ધિક્કારના અવકાશને સ્નેહથી ભરી દઉં,
આપ ઘડી બે-ઘડી, હે મૃત્યુ !
હે મૃત્યુ, થોડું તો થોભી જા,
તું તો ના કર બેવફાઇ,
તું ક્યા જીંદગી છે ? હે મૃત્યુ,
તને વ્હાલ કરી લઉં,
નફરતને પ્યારમાં ફેરવી દઉં,
મૃત્યુને જીવનમાં ફેરવી દઉં !!
- પી. યુ. ઠક્કર
Posted by: puthakkar on: February 22, 2009
સ્નેહના આ સાગરમાં,
ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધાના,
અમારાં દીપ પ્રગટી ઉઠ્યા.
શ્રધ્ધાના અમારાં દીવડાઓમાંથી
નીકળતા કિરણોમાં જોયું તો,
અહમ્ ના વજનથી મુક્ત એવા અમે,
આયાસ વિના જ તરી રહ્યા હતા,
એક આનંદ સાગરમાં…
આનંદ સાગરના આ નવા અનુભવથી −
રોમાંચિત થયું રોમે-રોમ,
‘ ને, હૃદયતલમાંથી ઉભરી રહેલા આનંદ સાથે,
વૃક્ષો, રસ્તાઓ, ગગન, સાગર અને સર્વે −
મંદ મંદ મુસ્કરાતા લાગ્યા,
એ સઘળામાંથી પ્રાપ્ત શાંતિના ઇશ્વરમાં,
અભિન્ન લાગ્યા,
દીપક, કિરણો, શ્રધ્ધા, સ્નેહ, સાગર અને સઘળા.
કદાચ આ એ જ દ્વાર છે,
જ્યાંથી ઇશ્વર પ્રવેશે છે…
- પી. યુ. ઠક્કર